સુશાંત સિંહ રાજપૂતના અપમૃત્યુ કેસમાં ડ્રગ્સ લેવાનો વિવાદ ઊભો થતાં તેની તપાસમાં રિયા ચક્રવર્તીએ આ મુદ્દે નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (NCB)ને બોલીવૂડના અન્ય કલાકારોના નામ આપ્યા હોવાનું કહેવાય છે. તે સંદર્ભે NCBમાં શનિવારે દીપિકા પદુકોણ, શ્રદ્ધા કપૂર, સારા અલી ખાન, રકુલપ્રીત સિંહ અને સિમોન ખંભાતાને પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી. શનિવારે વહેલી સવારે દીપિકા મુંબઈમાં NCBના ગેસ્ટ હાઉસ પહોંચી હતી. આ દરમિયાન શ્રદ્ધા કપૂર અને સારા અલી ખાનની પણ NCB દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. કહેવાય છે કે, દીપિકા ઉપરાંત તેની મેનેજર કરિશ્મા પ્રકાશની પણ ક્રોસ ઇન્ક્વાયરી કરાશે. 25 સપ્ટેમ્બરે NCBની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા અભિનેત્રી રકૂલપ્રીત સિંઘની પણ પૂછપરછ કરવામાં હતી, તેણે ડ્રગનું સેવન ન કર્યુ હોવાનો દાવો કર્યા છે. પણ ડ્રગ બાબતે રિયા ચક્રવર્તી સાથે ચર્ચા થઇ હોવાનું કબૂલ કર્યું હોવાનુ કહેવાય છે. હવે SIT રિયાના નિવેદનની તપાસ કરશે.
રકુલે દાવો કર્યો હતો કે, ડ્રગ પેડલર સાથે તેનો કોઇ સંબંધ નથી. વર્ષ 2018માં રિયા સાથે ડ્રગ બાબતે ચર્ચા કરી હતી. ચેટમાં રિયા પોતાને ડ્રગ આપવા કહેતી હતી.
રિયાનું ડ્રગ મારા ઘરે હતું, એમ રકુલે પૂછપરછમાં જણાવ્યું હોવાનું કહેવાય છે. ડ્રગ મામલે રિયાની વારંવાર પૂછપરછ થઇ છે. રિયા અને રકુલ વચ્ચે મિત્રતા છે. અત્યારે રિયા મુંબઇની ભાયખલ્લા જેલમાં છે. તેણે જામીન મેળવવા માટે અનેક પ્રયત્ન કર્યો છે, પણ તે નિષ્ફળ રહી છે.
SITને 25 સપ્ટેમ્બરે રકૂલની ચારેક કલાકની પૂછપરછમાં મહત્વની માહિતી મળી છે. આ વ્હોટ્સએપ ડ્રગ ગ્રૂપની એડમિન દીપિકા હતી એમ રકુલે જણાવ્યું હોવાનું કહેવાય છે. આ ગ્રૂપમાં બોલીવૂડની સેલિબ્રિટીઓ હતી. SIT તે દરેકની માહિતી મેળવી રહી છે.
23 સપ્ટેમ્બરે NCB ક્વાન ટેલેન્ટ મેનેજમેન્ટ એજન્સીના ધ્રુવ ચિગગોપેકર અને બોલિવૂડ ટેલેન્ટ મેનેજર જયા સાહાની પૂછપરછ કરી હતી. આ દરમિયાન જયા સાહાએ કહ્યું હતું કે ચેટ તો મારી જ છે પરંતુ મને આ ચેટ બાબતે કંઇ યાદ નથી. જોકે, જયાએ સ્વીકાર્યું હતું કે, તેણે સુશાંત, રિયા, ફિલ્મ સર્જક મધુ મન્ટેના અને શ્રદ્ધા કપૂર માટે સીબીડી ઓઇલ મંગાવ્યું હતું. સીબીડી ઓઇલ નામની ડ્રગ પર ભારતમાં પ્રતિબંધ છે.