(Photo by LOIC VENANCE/AFP via Getty Images)

બોલીવૂડમાં એક જમાનામાં એક્શન ફિલ્મો ખૂબ જ સુપર હિટ જતી હતી. ઘણી અભિનેત્રીઓ પણ એક્શન ફિલ્મમાં પણ સફળ થઇ હતી. હવે નવી પેઢીમાં દીપિકા પદુકોણ અને ક્રિતી સેનનને એક્શન ફિલ્મમાં કામ કરવાની ઓફર થઇ અને તેમણે તે સ્વીકારી પણ ખરી.

સિદ્ધાર્થ આનંદના ડાયરેક્શનમાં બની રહેલી ફિલ્મ પઠાનમાં શાહરૂખ ખાન, દીપિકા પદુકોણ, જોન અબ્રાહમ, અને ડિમ્પલ કાપડિયા મહત્વના રોલમાં જોવા મળશે.

દીપિકા આ ફિલ્મમાં એકશન દ્રશ્યો ભજવતી જોવા મળવાની છે. તે પ્રથમ વખત આવા જોખમી દ્રશ્યો ભજવશે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, દીપિકા અત્યારે ફિલ્મ પઠાન માટે હાઇ-ઓકટેન એકશન દ્રશ્યોની શૂટિંગ કરી રહી છે. દીપિકા આ માટે તાલીમ લઇ રહી છે. પઠાન ફિલ્મમાં દીપિકાને એકશન દ્રશ્યોમાં જોવી એ રસપ્રદ બાબત હશે. સંજય લીલા ભણશાલી અને દીપિકા પદુકોણ નવી ફિલ્મ માટે અત્યારે કોઇ ચર્ચા કરતા નથી. તેથી એક એવી પણ અફવા છે કે, તેમના સંબંધો અગાઉ જેવા નથી.

બીજી તરફ ક્રિતી સેનન પણ તેની નવી ફિલ્મમાં દમદાર એકશન દ્રશ્યો ભજવતી દેખાશે.ક્રિતી સેનને પોતાની કારકિર્દીની શરૂઆત ફિલ્મ હીરોપંતીથી કરી હતી. ક્રિતી અને ટાઇગર શ્રોફ ફરી એક વખત ફિલ્મમાં સાથે જોવા મળશે. જેમાં ક્રિતી પ્રથમવાર ધમાકેદાર એકશન દ્રશ્યો ભજવતી જોવા મળશે.

ક્રિતીએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, નવી ફિલ્મમાં એકશન દ્રશ્યો ભજવવા માટે મારે તાલીમ પણ લેવી પડી છે. ટાઇગર શ્રોફ સાથે આ દ્રશ્યો માટે ઘણી મહેનત કરવી પડી છે. તેને ડર્ટ બાઇકિંગની ટ્રેનિંગ પણ લેવી પડશે.
આ ‘ગણપથ’ ફિલ્મનું ડાયરેક્શન વિકાસ બહલ કરે છે. આ એક સંપૂર્ણ એકશન ફિલ્મ હશે. ક્રિતી ધીરે ધીરે બોલીવૂડમાં પોતાનું સ્થાન જમાવી રહી છે. તેની પાસે ઘણા સારા પ્રોજેક્ટસ છે, તે બચ્ચન પાંડેમાં પણ કામ કરવાની છે.
આ ઉપરાંત પ્રભાસ સાથેની એક ફિલ્મમાં પણ તે કામકરવાની છે. વરુણ ધવન સાથે ફિલ્મ ભેડિયામાં પણ કામ કરી રહી છે.