ભારતની જિમ્નાસ્ટ દીપા કરમાકર એશિયન ચેમ્પિયનશિપ જીતનારી પ્રથમ ભારતીય સ્પર્ધક બની છે. રવિવારે તાશ્કંદમાં એશિયન વુમન્સ આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક્સ ચેમ્પિયનશિપમાં તેણે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો.
દીપા ક્વોલિફિકેશન સ્ટેજમાં 12.650ના સ્કોર સાથે આઠમા સ્થાને હતી. એ પછી તેણે ફાઈનલમાં તેના બે પ્રયાસોમાં કુલ 13.566નો સ્કોર કર્યો હતો. દીપાને ગયા વર્ષે એશિયન ગેમ્સની ભારતીય ટીમમાં સ્થાન મળ્યું નહોતું.
એશિયન ચેમ્પિયનશિપ્સમાં દીપાનો આ બીજો મેડલ છે. આ અગાઉ દીપાએ 2015માં હિરોશિમામાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. દીપા ઉપરાંત, ભારત તરફથી આશિષ કુમાર (ફ્લોર એક્સરસાઇઝ, બ્રોન્ઝ, સુરત, 2006) અને પ્રણતિ નાયકે (વોલ્ટ, ઉલાનબાતર, 2019 અને દોહા, 2022) બ્રોન્ઝ મેડલ જીતી ચૂક્યા છે.
રીઓ ઓલિમ્પિક્સમાં ચોથા સ્થાને રહેલી દીપાએ 2014 કોમનવેલ્થ ગેમ્સમાં જિમ્નેસ્ટિક્સમાં બ્રોન્ઝ મેડલ હાંસલ કરી રેકોર્ડ કર્યો હતો. આવું કરનારી તે ભારતની પ્રથમ મહિલા જિમ્નાસ્ટ બની હતી.