નવી દિલ્હીમાં 26 જાન્યુઆરીએ ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન ઐતિહાસિક લાલ કિલ્લાના પરિસરમાં હિંસાના કેસમાં વોન્ટેડ જાહેર થયેલા આરોપી એક્ટર દીપ સિધુની પોલીસે મંગળવારે ધરપકડ કરી હતી. લાલ કિલ્લાની હિંસા બાદ સતત નાસતા ફરતા દીપ સિધુની દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ધરપકડ કરી હતી. સિઘુ સામે ખેડુતોની ટ્રેક્ટર રેલી દરમિયાન લાલ કિલ્લા પર જ્યાં રાષ્ટ્રીય ધ્વજ તિરંગો ફરકાવવામાં આવે છે તેની બાજુમાં ખાલસા ધ્વજ ફરકાવવાનો આરોપ છે.
દિલ્હી પોલીસે સિધુ પર એક લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું. ફરાર જાહેર થયો હોવા છતા સિધુ ફેસબુક દ્વારા સતત વીડિયો મેસેજીસ બહાર પાડતો હતો. આ વિડિયો તે કેલિફોર્નિયા સ્થિતિ તેની ગર્લફ્રેન્ડ મારફત જારી કરતો હોવાનું માનવામાં આવે છે. આ લિન્કને આધારે પોલીસે તેને શોધી પાડ્યો હતો. દિલ્હી પોલીસે તાજેતરમાં દાવો કર્યો હતો કે તે તેના એક નજીકના મિત્ર દ્વારા સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરતો હતો.
સરકારના કૃષિ કાયદાના વિરુદ્ધમાં દિલ્હીની સરહદ પર ખેડૂતો આંદોલન કરી રહ્યાં છે. તેના ભાગ રુપે ગઇ 26 જાન્યુઆરીમાં દિલ્હીમાં ટ્રેક્ટર રેલી કાઢી હતી. આ માટે એક નિશ્ચિત રુટ અને સમય નક્કી કરવામાં આવ્યો હતો. પરંતુ ખેડૂતોએ સમય કરતા વહેલા દિલ્હીમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કરતા ખેડૂતોએ હિંસા અને તોડફોડ કરી હતી અને લાલકિલ્લામાં ઘુસી ગયા હતા. આ હિંસા માટે કેટલાક ખેડૂત નેતાઓને જવાબદાર ગણાવાયા હતા, જેમાં દીપ સિધુ મુખ્ય આરોપી ગણાવાયો હતો. દીપ સિદ્ધુ ઘટના બાદથી ફરાર હતો