કોવિડ-19 મહામારીના પગલે વિશ્વભરના કોર્પોરેટ્સ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તેવા સમયે ભારતની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડે (RIL) માત્ર 58 દિવસ દરમિયાન રૂ. 1.68 લાખ કરોડથી વધુનું રોકાણ ઊભું કર્યું છે. પેટ્રો-રિટેલના જોઇન્ટ વેન્ચરમાં BPને વેચવામાં આવેલો હિસ્સો ગણવામાં આવે તો કુલ ઊભી કરાયેલી મૂડીનું મૂલ્ય રૂ. 1.75 લાખ કરોડને આંબી જાય છે. આ સાથે જ આટલું મોટું ભંડોળ મેળવ્યા બાદ કંપની હવે તેના દેવામાંથી મુક્ત થવા જઈ રહી છે.
આ અંગે રિલાયન્સના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, આજે આ જાહેરાત કરતાં હું ખુશ અને વિનમ્ર બંને છું કે નિયત સમય મર્યાદા 31 માર્ચ 2021 કરતાં પહેલા રિલાયન્સને સંપૂર્ણપણે દેવા મુક્ત બનાવવા માટે રોકાણકારોને આપેલું વચન અમે નિભાવ્યું છે. 31 માર્ચ 2020ની સ્થિતિએ અમારું કુલ દેવું રૂ. 1.61 લાખ કરોડ થતું હતું. આ રોકાણ આવતાં હવે રિલાયન્સ સંપૂર્ણપણે દેવા મુક્ત બની ગઈ છે.
મુકેશ અંબાણીએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, અમારા રોકાણકારો અને અન્ય હિસ્સેદારોની અપેક્ષાઓ કરતાં પણ વધુ સારા પરિણામો વારંવાર મેળવવા એ રિલાયન્સમાં DNAમાં છે. હું તેમને ખાતરી આપવા ઇચ્છું છું કે રિલાયન્સ તેના સુવર્ણ દાયકામાં વિકાસના વધુ મહત્વકાંક્ષી લક્ષ્યાંકો નક્કી કરશે અને તેમને હાંસલ પણ કરશે, જે ભારતની સમૃદ્ધિ અને વ્યાપક વિકાસમાં આપણા યોગદાનને સતત વધારતાં રહેવાના આપણા સંસ્થાપક ધીરુભાઈ અંબાણીના વિઝન ચરિતાર્થ કરશે.
જિયો પ્લેટફોર્મ્સે વિશ્વના અગ્રણી મૂડીરોકાણકારો પાસેથી આ વર્ષમાં 22 એપ્રિલથી અત્યાર સુધીમાં કુલ રૂ. 115,693.95 કરોડનું રોકાણ મેળવ્યું છે, જેમાં ફેસબૂક, સિલ્વર લેક, વિસ્ટા ઇક્વિટી પાર્ટનર્સ, જનરલ એટ્લાન્ટિક, KKR, મુબાદલા, ADAI, TPG, એલ કેટર્ટન અને PIFનો સમાવેશ થાય છે. જિયો પ્લેટફોર્મ્સના નાણાકીય ભાગીદાર મેળવવાના પ્રવર્તમાન તબક્કામાં PIFનું રોકાણ છેલ્લું હતું.
કંપનીએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, RILનો રાઇટ્સ ઇશ્યૂ 1.59 ગણો છલકાઈ ગયો હતો અને તે માત્ર ભારતનો જ સૌથી મોટો રાઇટ્સ ઇશ્યૂ નહોતો, પરંતુ છેલ્લા દસ વર્ષમાં કોઈપણ બિન-નાણાકીય સંસ્થા દ્વારા લાવવામાં આવેલો વિશ્વનો સૌથી મોટો રાઇટ્સ ઇશ્યૂ પણ બની રહ્યો હતો. કંપનીએ આના દ્વારા રૂ. 53,124.20 કરોડ એકત્રિત કર્યા હતા.