અમેરિકમાં ક્રિસ્મસના આરંભ અગાઉથી લઈને તેના શરૂઆતના દિવસોમાં આવેલા હાડ થિજાવી દેતા વિનાશક સ્નોસ્ટોર્મના પગલે આઠ રાજ્યોમાં 60થી વધુ લોકોના મોત થયાના અહેવાલો મળ્યા છે.
કેનેડાના ગ્રેટ લેકથી મેક્સિકોના રિયો ગ્રાન્ડ સુધીના અસાધારણ વિન્ટર સ્ટોર્મથી લાખ્ખો ઘરોમાં અધારપટ છવાયો હતો તથા રસ્તાઓ અને ઘરો પર બરફના કેટલાય ઈંચના જામી ગયા હતા. ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટના અહેવાલ મુજબ હજ્જારો ફલાઈટ્સ રદ કરાઈ હતી, તો બીજી હજ્જારો મોડી પડી હતી.
12 રાજ્યોમાં સ્નોસ્ટોર્મના તોફાન સંબંધિત મૃત્યુ નોંધાયા હતા. આ રાજ્યોમાં કોલોરાડો, ઇલિનોઇસ, કેન્સાસ, કેન્ટુકી, મિશિગન, મિસોરી, નેબ્રાસ્કા, ન્યૂયોર્ક, ઓહાયો, ઓક્લાહોમા, ટેનેસી અને વિસ્કોન્સિનનો સમાવેશ થાય છે.
સૌથી વધુ અસર પામેલા ન્યૂયોર્ક રાજ્યના એરી કાઉન્ટીમાં ઓછામાં ઓછા 27 લોકોના મોત થયા હતા. એરી કાઉન્ટીના એક્ઝિક્યુટિવ માર્ક પોલોનકાર્ઝે સોમવારે એક બ્રીફિંગમાં જણાવ્યું હતું કે “આ એક ભયાનક પરિસ્થિતિ છે.
આ સ્નોસ્ટોર્મનું તોફાન 1977ની હિમવર્ષા કરતાં પણ વિકરાળ છે. ભયાનક બરફવર્ષાને કારણે બચાવ અને રાહત કાર્યો કરવાનું પણ મુશ્કેલ બન્યું હતું.
“બ્લીઝાર્ડ ધેટ બરીડ બફેલો” તરીખે પ્રખ્યાત બનેલા 1977ના વિન્ટર સ્ટોર્મમાં 29 લોકો મૃત્યુ પામ્યા હતા, તેમાંથી મોટાભાગના લોકો તેમના વાહનોમાં ફસાયા હતા.બફેલોમાં લગભગ એક સપ્તાહ સુધી લોકો માટે કાર ડ્રાઈવિંગ પ્રતિબંધિત રહ્યું હતું. ત્યાં મોટા ભાગના વિસ્તારોમાં ત્યજી દેવાયેલા વાહનો ઠેરઠેર પડેલા હતા. બફેલોના મેયર બાયરોન બ્રાઉને જણાવ્યું હતું કે ઓછામાં ઓછા 18 લોકોના મોત થયા છે. બફેલો ઈન્ટરનેશનલ એરપોર્ટ તા. 23મીએ બંધ કરાયું હતું તે છેક તા. 28મીએ ખોલી શકાયું હતું, જો કે, ફલાઈટ્સનું સંચાલન તો 28મીએ પણ થઈ શક્યું નહોતું.
વોશિંગ્ટનમાં બે દાયકાની સૌથી ઠંડી ક્રિસ્ટમસ રહી હતી.
કેટલાય રાજ્યો અને શહેરોમાં તેમજ કાઉન્ટી વિસ્તારોમાં હજ્જારો પરિવારોને કેટલાય દિવસો સુધી વીજળી પુરવઠા અને હીટીંગ વિના રહેવું પડ્યું હતું, તો બફેલોમાં તો અમેરિકન નેશનલ ગાર્ડ્ઝે ઘેર ઘેર રૂબરૂ જઈ લોકો જીવે છે કે નહીં અને સલામત છે કે નહીં તેની ભાળ મેળવવી પડી હતી.