સિક્કીમમાં આવેલા વિનાશક પૂરને કારણે ભારે તારાજી સર્જાઈ હતી. સેના અને એનડીઆરએફના જવાનોને પૂરગ્રસ્ત વિસ્તારોના કાટમાળમાંથી અત્યાર સુધીમાં સેનાના સાત જવાનો સહિત 42 લોકોના મૃતદેહ શોધ્યા હતા. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર હજુ સુધી 143 લોકોને શોધવાના બાકી હતા. તેમને શોધવા સઘન પ્રયાસો હાથ ધરાઈ રહ્યાં છે. સિક્કીમના મુખ્ય પ્રધાન પ્રેમસિંહ તમાંગે પૂરને કારણે જીવ ગુમાવનાર દરેક લોકોના પરિવારજનોને રૂ. 4 લાખની સહાયની જાહેરાત કરી હતી.

આ ઉપરાંત રાહત શિબિરમાં રહેતા દરેક વ્યક્તિને રૂ. 2,000ની તાત્કાલિક સહાય આપવાની જાહેરાત કરી હતી. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સ્ટેટ ડિઝાસ્ટર રીસ્પોન્સ ફંડ (એસડીઆરએફ)માં કેન્દ્રના ફાળા અંતર્ગત રૂ. 44.8 કરોડ આપવાની જાહેરાત કરી હતી. તમાંગે જણાવ્યું હતું કે આ વિનાશક પૂરને કારણે ચોક્કસ નુકસાન આંકડો અત્યારે આપવો મુશ્કેલ છે પરંતુ પ્રાથમિક દૃષ્ટિએ હજારો કરોડનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. રાજ્યના વિવિધ જિલ્લાઓ વચ્ચેના માર્ગો અને પૂલો લગભગ ધોવાઈ જતાં વાહન વ્યવહાર પર ગંભીર અસર થઈ છે. આ ઉપરાંત રાજ્યની સંપર્ક સેવા પર પણ માઠી અસર સર્જાઈ છે. પૂરને કારણે રાજ્યમાં 13 જેટલાં પૂલ નષ્ટ થયા છે.

LEAVE A REPLY