તુર્કી-સીરિયામાં સોમવારે આવેલા ભૂકંપમાં મૃત્યુઆંક વધી 28,000 થયો હતો. યુએનના રાહત વડા માર્ટિન ગ્રિફિથ્સે જણાવ્યું હતું કે મૃત્યુઆંક હાલના સ્તરથી બમણો થવાની આશંકા છે. હજુ ઘણા લોકો હજુ પણ લાપતા છે.
બીજી તરફ તુર્કીમાં આવેલા વિનાશક ભૂકંપમાં માર્યા ગયેલા ભારતીય નાગરિક વિજય કુમારનો મૃતદેહ એક હોટલના કાટમાળમાંથી મળી આવ્યો હતો. તૂર્કી સ્થિત ભારત દૂતાવાસે જણાવ્યું હતું કે વિજય કુમાર કારોબારના કામે તુર્કી આવ્યા હતાં. છેલ્લાં પાંચ દિવસથી તેમની કોઈ માહિતી નહીં મળતી હોવાથી તેમને શોધવાની કામગીરી ચાલી રહી હતી. તેઓ અહીંના માલટ્યા વિસ્તારની જે હોટેલમાં રોકાયા હતાં તે ભૂકંપમાં ધ્વસ્ત થતાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું. હોટેલનો કાટમાળ ખસેડવાની કામગીરી દરમિયાન તેમનો મૃતદેહ મળી આવ્યો હતો, જેની ઓળખવિધિ બાદ ભારતીય દૂતાવાસને જાણ કરાઈ હતી.
તુર્કીમાં 7.8-ની તીવ્રતાના ભૂકંપ અને અનેક આફ્ટરશોક બાદ કહરાનમારસ, હટાઈ, ગઝિયાંટેપ અને નુરદાગી સહિતના સૌથી વધુ અસરગ્રસ્ત શહેરોમાં બહુમાળી ઇમારતો, ઘરો, મોલ્સ અને ઓફિસો ધૂળ અને કાટમાળમાં ફેરવાઈ ગયા છે. યુએન સહાયના વડા માર્ટિન ગ્રિફિથ્સે શનિવારે દક્ષિણ તુર્કી અને ઉત્તર-પશ્ચિમ સીરિયામાં આવેલા વિનાશક ભૂકંપને આ ક્ષેત્રમાં છેલ્લા 100 વર્ષની સૌથી ખરાબ દુર્ઘટના ગણાવી હતી. ભૂકંપના સો કલાકથી વધુ સમય બાદ પણ કાટમાળમાંથી ઘણાં લોકોને જીવતા બહાર કાઢવામાં આવ્યા હતા.
યુનાઇટેડ નેશન્સ, સીરિયન રેડ ક્રેસન્ટ અને ઇન્ટરનેશનલ રેડ ક્રોસની મદદથી જરૂરતમંદોને સહાય પહોંચાડવામાં આવી રહી છે. તુર્કીના પર્યાવરણ અને શહેરી આયોજન પ્રધાન મુરાત કુરુમના જણાવ્યા અનુસાર તુર્કીમાં લગભગ 12,000 ઈમારતો તૂટી પડી છે અથવા તો તેમને ભારે નુકસાન થયું છે. તુર્કીના વાઇસ પ્રેસિડેન્ટ ફુઆત ઓકટેએ કહ્યું છે કે 10 લાખથી વધુ લોકોને અસ્થાયી આશ્રયસ્થાનોમાં રાખવામાં આવ્યા છે.