અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં પ્રથમ પાઘડીધારી ઇન્ડિયન અમેરિકન શીખ પોલીસ ઓફિસર સંદીપ ધાલીવાલના હત્યારા રોબર્ટ સોલિસને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે. 2019માં ટ્રાફિક સ્ટોપ પર ધાલીવાલની હત્યાના કેસમાં સોલિસને દોષિત જાહેર કરાયો હતો, એમ પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું.
જ્યુરીએ બુધવારે આ ચુકાદો આપ્યો ત્યારે સોલિસના ચહેરા પર કોઈ લાગણી ન હતી. સજાના તબક્કાની સુનાવણીમાં મૃત્યુદંડની ભલામણ કરતા પહેલા ન્યાયાધીશોએ માત્ર 35 મિનિટ માટે ચર્ચાવિચારણા કરી હતી. તેમણે ગુનાના તબક્કામાં 25 મિનિટ સુધી વિચાર-વિમર્શ કર્યો હતો.
હેરિસ કાઉન્ટી શેરિફ એડ ગોન્ઝાલેઝે ટ્વીટ કર્યું હતું કે “ચુકાદો આવી ગયો છે: ન્યાયાધીશોએ રોબર્ટ સોલિસને મૃત્યુદંડની સજા આપી છે. અમે ખૂબ જ આભારી છીએ કે ન્યાય આપવામાં આવ્યો છે.”
હ્યુસ્ટનમાં હેરિસ કાઉન્ટી ક્રિમિનલ કોર્ટની જ્યુરીએ 50 વર્ષીય સોલિસને હત્યા માટે દોષિત ઠેરવ્યો હતો. 42 વર્ષના ધાલીવાલ હેરિસ કાઉન્ટી શેરિફ ઓફિસમાં ફરજ બજાવતા હતા.
ધાલીવાલને નોકરી દરમિયાન દાઢી રાખવાની અને પાઘડી પહેરવાની મંજૂરી આપવામાં આવી ત્યારે તેઓ મીડિયાની હેડલાઇનમાં ચમક્યા હતા. 27 સપ્ટેમ્બર, 2019એ ઉત્તરપશ્ચિમ હ્યુસ્ટનમાં નિયમિત મિડ-ડે ટ્રાફિક સ્ટોપનું સંચાલન કરતી વખતે ગોળીબાર કરીને તેમની હત્યા કરવામાં આવી હતી. ધાલીવાલે રેસિડેન્શિયલ વિસ્તારમાં સોલિસને રોક્યો હતો. આ પછી તેઓ પોતાની પેટ્રોલ કાર તરફ જઈ રહ્યાં હતા ત્યારે પાછળથી તેમને ગોળીઓ મારવામાં આવી હતી. 2019માં શેરિફ ગોન્ઝાલેઝે કહ્યું હતું “…તેમને ખૂબ જ નિર્દય રીતે, ઠંડા કલેજે ગોળી મારવામાં આવી હતી.”
ન્યાયાધીશોએ ગોળીબારના બહુવિધ એંગલની વિચારણા કરી હતી અને ફરિયાદ પક્ષના 65 સાક્ષીઓની જુબાની લીધી હતી. ટ્રાયલ દરમિયાન, સોલિસે પોતાના બચાવમાં જુબાની આપી હતી અને ન્યાયાધીશોને કહ્યું હતું કે તેને આકસ્મિક રીતે ધાલીવાલને ગોળી મારી હતી.
ધાલીવાલે વૈશ્વિક માનવતાવાદી રાહત સંગઠન યુનાઈટેડ શીખ્સ સાથે કામગીરી કરતા હતા. ધાલીવાલના માનમાં પશ્ચિમ હ્યુસ્ટનમાં એક પોસ્ટ ઓફિસને તેમનું નામ આપવામાં આવ્યું હતું. સાંસદ લિઝી ફ્લેચર યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં નામ બદલવાનો ઠરાવ લાવ્યા હતા.