રાજ્યમાં પહેલીવાર છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસો કરતા ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા વધારે છે. રાષ્ટ્રીય ડિસ્ચાર્જ રેટ 30.75% છે જ્યારે ગુજરાતનો ડિસ્ચાર્જ દર 32.64% થયો છે. 1 મેનાં દિવસે ડિસ્ચાર્જ રેટ 15.58% હતો, જે બમણો થઈ ગયો છે. રાજ્યમાં કોરોનાની અપડેટ વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવે જણાવ્યું હતું કે, નવી ગાઈડાલાઈન પ્રમાણે રાજ્યમાં 454 દર્દીને રજા આપી છે.
જ્યારે 24 કલાકમાં 398 નવા કેસ નોંધાયા છે અને 21 દર્દીના મોત થયા છે. આમ અત્યાર સુધીમાં 8195 દર્દી નોંધાયા છે જ્યારે મૃત્યુઆંક 493 થયો છે અને 2545 દર્દી સાજા થયા છે. નવા નોંધાયેલો કેસોમાં અમદાવાદમા 278, સુરતમાં 41, વડોદરામાં 25, ગાંધીનગરમાં 10, મહેસાણા અને ગીર-સોમનાથમાં 8-8, સાબરકાંઠામાં 6, બનાસકાંઠામાં 4, પાટણ અને બોટાદમાં 3-3, પંચમહાલ, અરવલ્લી અને સુરેન્દ્રનગરમાં 2-2 તેમજ આણંદ, કચ્છ અને મોરબીમાં 1-1 કેસ નોંધાયા છે.
કોરોનાને લઇને ભારત સરકાર દ્વારા નવી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. આ માર્ગદર્શિકા પ્રમાણે રાજ્યમાંથી આજે કુલ 387 દર્દીઓને હોમ આઇસોલેશન માટે રજા આપવામાં આવી છે. જેમાં અમદાવાદમાં 250, વડનગરમાં 34 સુરતમાં 35, વડોદરામાં 20 , રાજકોટમાં 15 , આણંદમાં 17 , ભાવનગરમાં 10, મહીસાગરમાં 5 અને અરવલ્લીમાં 1 દર્દીને આજે રજા આપવામાં આવી છે.