લૉકડાઉન ન લગાવનારા સ્વિડનમાં કોરોનાથી એક અઠવાડિયામાં મૃત્યુનો દર દુનિયામાં સૌથી વધુ રહ્યો છે. અહીં 15 દિવસમાં આવું બીજી વખત થયું છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સમાં તેનું કારણ કેર હોમ્સમાં બદહાલી જણાવાયું છે. અહીં 50 ટકા એટલે કે આશરે 2200 મૃત્ય કેર હોમ્સમાં થયાં છે. ગત એક અઠવાડિયામાં અહીં 10 લાખ લોકોમાં મૃત્યુદર 5.59 રહ્યો જે દુનિયાના સરેરાશ દરથી 11 ગણો વધુ છે. દુનિયાનો સરેરાશ દર 0.49 છે.
સ્વિડન પછી સૌથી વધુ મૃત્યુદર બ્રાઝિલમાં 4.51, સેન મેરિનોમાં 4.21, પેરુમાં 4.12 અને બ્રિટનમાં 3.78 રહ્યો છે. આ આંકડા 23 મેથી 29 મે સુધીના છે. સ્વિડનમાં મૃત્યુનો દર અન્ય સૌથી વધુ ચેપગ્રસ્ત દેશો અમેરિકા(2.98), બેલ્જિયમ(2.49), ઇટાલી(1.55), રશિયા(1.02) અને ફ્રાન્સ(0.98)થી વધુ છે. શરૂઆતમાં સ્વિડનમાં મૃત્યુદર આટલો વધારે નહોતો. સ્વિડનમાં અત્યાર સુધી 37,542 કેસ આવ્યા છે. જોકે 4395 લોકો મૃત્યુ પામ્યા છે.
અમેરિકાએ કોરોનાની સારવાર માટે બ્રાઝિલને મલેરિયાની દવા હાઈડ્રોક્સિક્લોરોક્વિનના 20 લાખથી વધુ ડોઝ મોકલ્યા હતા. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ કોરોનાની સારવાર માટે તેને સારી દવા ગણાવી રહ્યા છે. વ્હાઈટ હાઉસે કહ્યું કે અમેરિકા બ્રાઝિલને 1000 વેન્ટિલેટર પણ મોકલશે. બ્રાઝિલ દુનિયાનો બીજો સૌથી વધુ કોરોના પ્રભાવિત દેશ છે. અહીં અત્યાર સુધી 5,14,992 કેસ નોંધાયા છે.