યુગાન્ડાના પ્રેસિડન્ટ યોવેરી મુસેવેનીએ સોમવારે સમલૈંગિકો વિરુદ્ધ વિશ્વનો સૌથી કડક કાયદા પર હસ્તાક્ષર કર્યા હતા. આ કાયદા હેઠળ સમલૈંગિક સંબંધ રાખવા પર આજીવન કેદથી લઈને મૃત્યુદંડની સજા થઈ શકે છે. યુગાન્ડાના આ કાયદાને વિશ્વનો સૌથી આકરો માનવામાં આવે છે અને તેની માનવાધિકાર જૂથો અને પશ્ચિમ દેશોએ આકરી ટીકા કરી હતી.
યુએસ પ્રમુખ જો બાઇડને આ કાયદાને તાત્કાલિક રદ કરવાનો અનુરોધ કર્યો હતો અને ચીમકી આપી હતી કે પૂર્વ આફ્રિકન દેશમાં સહાય અને રોકાણમાં કાપ મૂકશે. કાયદો પસાર કરતી વખતે સાંસદોએ સમલૈંગિક સંબંધોને સમાજના મૂલ્યોની વિરુદ્ધ ગણાવ્યા છે.
યુગાન્ડામાં એક નવા કાયદા અનુસાર, 18 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિ સાથે અથવા એચઆઈવી સંક્રમિત વ્યક્તિ સાથે સમલૈંગિક સંભોગ કરવા પર મૃત્યુદંડની સજા થઈ શકે છે. સમલૈંગિકતાને પ્રોત્સાહન આપવા પર 20 વર્ષ સુધી જેલમાં રહેવું પડશે.
કોઈ વ્યક્તિ ફક્ત ગે, લેસ્બિયન અથવા હોમોસેક્સ્યુઅલ હોવા પર કોઈ સજા થશે નહીં. સજા ત્યારે જ થશે જ્યારે તે સમલૈંગિક સંબંધોમાં સામેલ થશે. આ ઉપરાંત પુનરાવર્તિત અપરાધીઓને મૃત્યુદંડની સજા થઈ શકે છે. આફ્રિકામાં યુગાન્ડા એકમાત્ર એવો દેશ નથી કે જ્યાં સમલૈંગિક સંબંધો પર પ્રતિબંધ છે.