રાજાશાહીના ઇતિહાસમાં બ્રિટન પર સૌથી લાંબો સમય એટલે કે સાત દાયકાઓ સુધી મહારાણી તરીકે શાસન કરનાર રાણી એલિઝાબેથ બીજાનું તા. 8 સપ્ટેમ્બરના રોજ ગુરૂવારે 96 વર્ષની વયે સ્કોટલેન્ડમાં તેમના બાલમોરલ કાસલ ખાતે અવસાન થતાં બ્રિટનના એક જાજરમાન યુગનો અંત આવ્યો છે. મહારાણી એલિઝાબેથના મોટા પુત્ર 73 વર્ષના પ્રિન્સ ચાર્લ્સ આપમેળે યુનાઇટેડ કિંગડમના રાજા અને ઓસ્ટ્રેલિયા, કેનેડા અને ન્યુઝીલેન્ડ સહિત 14 અન્ય દેશોના વડા બન્યા છે અને હવે તેઓ કિંગ ચાર્લ્સ ત્રીજા તરીકે ઓળખાશે જ્યારે તેમના પત્ની કેમિલા ક્વીન કોન્સોર્ટ બન્યા છે.
સોમવાર 19 સપ્ટેમ્બરના રોજ સવારે 11 વાગ્યે લંડનના વેસ્ટમિંસ્ટર એબી ખાતે મહારાણીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે અને તે દિવસે સમગ્ર યુકેમાં બેંક હોલીડે જાહેર કરવામાં આવી છે. તા. 14થી 19 સપ્ટેમ્બરની સવારના 6.30 વાગ્યા સુધી લોકો મહારાણીને શ્રધ્ધાંજલિ અને આખરી દર્શન કરી શકે તે માટે રાણીનો મૃતદેહ લંડનના પાર્લામેન્ટ સ્થિત વેસ્ટમિન્સ્ટર હોલમાં રાખવામાં આવશે.
શનિવારે તા. 10ના રોજ લંડનમાં સેન્ટ જેમ્સ પેલેસ ખાતે યોજાયેલા એક્સેસન કાઉન્સિલ સમારોહમાં યુકેના નવા રાજા તરીકે કિંગ ચાર્લ્સ IIIની અધિકૃત વરણી કરી તેમને યુકેના નવા રાજા જાહેર કરવામાં આવ્યા હતા. કિંગ ચાર્લ્સ IIIની તાજપોશી બાદ સમારોહમાં હાજર સૌએ નવા સમ્રાટનુ અભિવાદન કર્યુ હતું. આ વખતે ક્વીન કોન્સર્ટ કેમિલા, પ્રિન્સ ઓફ વેલ્સ વિલિયમ અને વડાંપ્રધાન લિઝ ટ્રસ સહિત અગ્રણી લોકો ઉપસ્થિત રહ્યા હતા. લંડનના સેન્ટ જેમ્સ પેલેસમાં આયોજિત કાર્યક્રમનુ ટેલિવિઝન પર જીવંત પ્રસારણ કરાયું હતું.
સ્ટેટ ફ્યુનરલના એક દિવસ પહેલા તા. 18 સપ્ટેમ્બરના રોજ રવિવારે રાત્રે 8 વાગે રાણીને અંજલિ આપવા માટે દેશભરમાં એક મિનિટનું મૌન રાખવામાં આવશે.
વડા પ્રધાનના સત્તાવાર પ્રવક્તાએ કહ્યું હતું કે ‘’જનતા મહારાણીના જીવન અને વારસા પર શોક કરી શકે તે માટે લોકો પોતાના ઘરે અથવા મિત્રો અને પડોશીઓ સાથે પોતાની ધરમાં, ધરની બહાર, શેરીમાં અથવા સ્થાનિક રીતે ગોઠવાયેલા કાર્યક્રમોમાં કે વિજીલમાં આ મૌન પાળી શકશે. અમે સ્થાનિક સામાજીક સંસ્થાઓ, ક્લબો અને અન્ય સંસ્થાઓને આ માટે પ્રોત્સાહિત કરીએ છીએ. વિદેશમાં લોકો પોતાના સ્થાનિક સમયે મૌન પાળી શકશે.’’
મહારાણીના અંતિમ સંસ્કાર (ફ્યુનરલ)ના દિવસે બેન્ક હોલીડે અંગે એમ્પ્લોયરો અને કામદારો માટે નિર્ધારિત નિયમો અને માર્ગદર્શન જાહેર કર્યા છે. શાળાઓ બંધ રહેશે. જો કે, જે લોકો હોસ્પિટલો, દુકાનો, ફેક્ટરીઓ અને ઓફિસોમાં કામ કરતા હશે તેમના માટે, પરિસ્થિતિ થોડી વધુ જટિલ રહેશે. કેરર તરીકે અને NHSમાં કામ કરતા લોકોએ ફરજ બજાવવી પડશે. કેટલાક લોકોને બેંક હોલીડે પર કામ કરવા બદલ વધારાનો પગાર મળશે કે ટાઇમ ઓફ મળશે.
દેશની રાજાશાહીમાં આ પરિવર્તન પછી દેશમાં અને અનેક દેશોમાં ઘણા પરિવર્તનો આવશે. કિંગ ચાર્લ્સ III અને વડાપ્રધાન લિઝ ટ્રસ વચ્ચે મુલાકાત પણ થઈ હતી.
મહારાણીના નિધન અંગે તેમના પુત્ર કિંગ ચાર્લ્સ III એ કહ્યું હતું કે ‘’મારી પ્રિય માતાનું મૃત્યુ અમારા પરિવાર માટે “ખૂબ જ દુઃખની ક્ષણ” છે. અમે એક પ્રિય સાર્વભૌમ અને ખૂબ જ પ્રેમાળ માતાના નિધન પર ખૂબ જ શોક કરીએ છીએ. હું જાણું છું કે તેમની ખોટ સમગ્ર દેશમાં, ક્ષેત્રો અને કોમનવેલ્થ અને વિશ્વભરના અસંખ્ય લોકો દ્વારા ઊંડે અનુભવાશે. રાણી પરત્વે આટલા વ્યાપકપણે રાખવામાં આવતા આદર અને ઊંડા સ્નેહ વિશેનું અમારૂ જ્ઞાન દિલાસો અને ટકાવી રાખવામાં અમને મદદ કરશે”
તા. 8 સપ્ટેમ્બરના રોજ ગુરૂવારની સવારે મહારાણીના સ્વાસ્થ્ય વિશે ચિંતાઓ વધ્યા પછી ડોકટરોએ તેમને તબીબી દેખરેખ હેઠળ રાખવાનો નિર્ણય લીધો હતો. બીજી તરફ પરિસ્થિતીને પારખીને રાજવી પરિવારના વરિષ્ઠ સભ્યોને સ્કોટલેન્ડના એબરડીન નજીકના બાલમોરલ ખાતે આવેલી તેમની સ્કોટિશ એસ્ટેટમાં બોલાવી લેવાયા હતા.
લંડનના બકિંગહામ પેલેસમાં, રાણીની સ્થિતિ અંગેના અપડેટ્સની રાહ જોઈ રહેલા લોકોએ તેમના મૃત્યુની જાહેરાત કરાતાં જ આક્રંદ મચાવ્યું હતું. મહેલની ટોચ પરના યુનિયન જેક ધ્વજને સાંજે 6-30 કલાકે અર્ધી કાઠીએ ઉતારી દેવાયો હતો અને મૃત્યુની જાહેરાત કરતી સત્તાવાર સૂચના બહાર પોસ્ટ કરવામાં આવી હતી.
તા. 10ના રોજ બકિંગહામ પેલેસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “આજે બપોરે બાલમોરલ ખાતે મહારાણીનું શાંતિપૂર્ણ અવસાન થયું છે. રાજા બનેલા કિંગ ચાર્લ્સ તૃતિય અને ક્વીન કોન્સોર્ટ આજે સાંજે બાલમોરલ ખાતે રહેશે અને આવતીકાલે લંડન પરત ફરશે.”
મહારાણી ગયા વર્ષના અંતથી “એપિસોડિક મોબિલિટી પ્રોબ્લેમ્સ”થી પીડાતા હતા, જેના કારણે તેમને લગભગ તમામ જાહેર પ્રવૃત્તિઓમાંથી ખસી જવાની ફરજ પડી હતી. તેમના છેલ્લા જાહેર કાર્યક્રમમાં મંગળવારે તા. 6ના રોજ લિઝ ટ્રસને વડા પ્રધાન તરીકે નિયુક્ત કર્યા હતા જે તેમના દ્વારા નિયુક્તી પામેલા 15મા વડાં પ્રધાન બન્યાં હતાં.
તેમના નિધનને પગલે દેશમાં આવેલા તમામ મહેલો, સમગ્ર લંડન અને અન્યત્ર આવેલી સરકારી ઇમારતો, ડાઉનીંગ સ્ટ્રીટ ખાતે રાષ્ટ્રધ્વજને અરધી કાઠીએ ફરકાવવામાં આવ્યો હતો.
બ્રિટનના લોકો માટે સ્થિરતા અને સાતત્યનું પ્રતીક બનીને રાણી એલિઝાબેથે રાજાશાહીની પ્રાચીન સંસ્થાને આધુનિક યુગની માંગને અનુરૂપ બનાવવાનો પ્રયાસ કર્યો. તેમના પૌત્ર પ્રિન્સ વિલિયમે પણ 2012ની એક ડોક્યુમેન્ટરીમાં જણાવ્યું હતું કે, “રાણી રાજાશાહીને આધુનિક બનાવવા અને વિકસિત કરવામાં સફળ રહ્યા છે.”
એલિઝાબેથ તેમના પરિવારની શાહી હરોળમાં 40મા મોનાર્ક હતા, જેનુ મૂળ નોર્મન કિંગ વિલિયમ ધ કોન્કરરના નામથી ઓળખાય છે. તેમણે હેસ્ટિંગ્સના યુદ્ધમાં એંગ્લો-સેક્સન શાસક હેરોલ્ડ IIને હરાવીને 1066માં ઇંગ્લિશ સિંહાસન પર દાવો કર્યો હતો. મહારાણીએ બ્રિટિશ શાસકો માટેના લાંબા શાસનના રેકોર્ડ વારંવાર તોડ્યા હતા. જેમાંનો એક તેમના પરદાદી રાણી વિક્ટોરિયાનો 63 વર્ષથી વધુ સમય પર સિંહાસન પર આરૂઢ થવાનો હતો.
રાજ્યના વડા તરીકે રાણી એલિઝાબેથ II નો કાર્યકાળ યુદ્ધ પછીની તપસ્યા, સામ્રાજ્યથી લઇને કોમનવેલ્થમાં સંક્રમણ, શીત યુદ્ધનો અંત અને યુકેના યુરોપિયન યુનિયનમાં પ્રવેશ – અને તેમાંથી નીકળી જવાના નિર્ણય સુધી રહ્યો હતો.
1874માં જન્મેલા વિન્સ્ટન ચર્ચિલથી શરૂ કરીને તેમના 101 વર્ષ પછી 1975માં જન્મેલા શ્રીમતી લિઝ ટ્રસ સહિત તેમના શાસનમાં 15 વડાપ્રધાનો આવ્યા હતા. તેઓ પોતાના શાસન દરમિયાન દેશના વડા પ્રધાન સાથે પ્રતિ સાપ્તાહે બેઠક કરતા હતા.