મહારાણી એલિઝાબેથ દ્વિતીયના નિધન અંગે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું હતું અને તેમની સાથે એક ભાવુક પ્રસંગને યાદ કર્યો હતો. મોદીએ જણાવ્યું હતું કે વર્ષ 2015 અને 2018માં UKની મુલાકાત સમયે ક્વીન એલિઝાબેથ દ્વિતીય સાથે મારી યાદગાર મુલાકાતો થઈ હતી. હું ક્યારેય પણ તેમની હૂંફ અને દયાભાવને ક્યારેય ભૂલી શકીશ નહીં. મારી એક મુલાકાત સમયે તેઓએ મને એક હાથરૂમાલ દેખાડયો હતો, આ રૂમાલ તેમના લગ્ન પ્રસંગે મહાત્મા ગાંધીએ તેમને આપ્યો હતો. હું તેમના આ ભાવને હંમેશા યાદ રાખીશ.
મહારાણી એલિઝાબેથ દ્વિતીયનું ગુરૂવારે 96 વર્ષની ઉંમરે અવસાન થયું હતું. ડાપ્રધાન મોદીએ ટ્વિટમાં લખ્યું છે કે, ‘મહારાણી એલિઝાબેથ દ્વિતીયને અમારા સમયના એક દિગ્ગજ તરીકે યાદ કરવામાં આવશે. તેમણે પોતાના રાષ્ટ્ર અને લોકોને પ્રેરક નેતૃત્વ પ્રદાન કર્યું હતું. તેમણે સાર્વજનિક જીવનમાં ગરિમા અને શાલીનતાનો પરિચય કરાવ્યો. તેમના અવસાનથી દુઃખી છું. આ દુઃખદ ઘડીમાં મારી સંવેદનાઓ તેમના પરિવાર અને બ્રિટનના લોકોની સાથે છે.
મહારાણી 1961, 1983 તથા 1997 એમ ત્રણ વખત ભારતની મુલાકાતે આવ્યા હતાં. 1961માં તો તેમના પતિ ડ્યુક ઓફ એડિનબર્ગ પ્રિન્સ ફિલિપ સાથે દિલ્હી આવ્યાં હતાં.