ફાઇનાન્સિયલ ટાઇમ્સ દ્વારા બેકડેટેડ ડેટાના વિશ્લેષણ બાદ આગાહી કરવામાં આવી છે કે કેર હોમમાં થયેલા મોતના આંકડા અને હોસ્પિટલમાં મોતને ભેટેલા લોકોના આંકડાનો સરવાળો કરવામાં આવશે તો 21મી એપ્રિલ સુધીમાં મોતને ભેટેલા કુલ લોકોની સંખ્યા 41,102 થઇ જશે. જેની સામે સત્તાવાર આંકડો તે સમયે 17,337નો હતો. સ્કોટલેન્ડમાં કેર હોમ્સમાં મોતને ભેટેલા લોકોની સંખ્યા દેશના મૃત્યુના ત્રીજા ભાગ જેટલી છે. ઇંગ્લેન્ડમાં પણ કેર હોમ્સમાં તે જ દરે મૃત્યુ થઇ રહ્યા છે એમ સરકાર સ્વીકારે છે.
દરમિયાન, નેશનલ રેકોર્ડ્સ ઓફ સ્કોટલેન્ડે બોમ્બશેલ રીપોર્ટ જાહેર કરતા જણાવ્યુ હતુ કે સરકારના આંકડા દર્શાવે છે તેના કરતા કોરોનાવાયરસના કારણે મૃત્યુનું સાચું પ્રમાણ 79 ટકા મોટું છે. નેશનલ રેકોર્ડ્સ ડેટા મુજબ સ્કોટલેન્ડમાં પીડિતોની કુલ સંખ્યા 1,616 છે જેમાં ફક્ત 903ની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી હતી અને 537 ઘરોમાં મરી ગયા હતા.
ઇંગ્લેન્ડમાં પણ આવો જ ઉછાળો ઉભરી આવ્યો છે. તા. 22ની સવારે ડીપાર્ટમેન્ટ ઑફ હેલ્થ અને કેર ક્વોલીટી કમિશને જણાવ્યું હતુ કે ઇસ્ટર વિકેન્ડ દરમિયાન જ લગભગ 1,000 લોકો મરી ગયા હોવાનું મનાય છે અને હજુ સુધી તેમની ગણતરી કરવામાં આવી નથી. બંને સંગઠનોએ જણાવ્યું હતું કે, અધિકારીઓ આગામી દિવસો અને અઠવાડિયામાં નર્સિંગ હોમ્સમાંથી મૃત્યુ પામનારા મૃત્યુની સંખ્યામાં નોંધપાત્ર વૃદ્ધિની અપેક્ષા રાખે છે.
મેટ હેનકોકે આજે તા. 21ના રોજ કહ્યું હતુ કે ‘આપણે શિખર પર છીએ અને અમને આત્મવિશ્વાસ છે કે આપણે આ રોગના ટોચ પરથી નીચે આવીશું. નવા કેસો ઓછા થશે, વધુ અસરકારક ટેસ્ટ થશે અને ટ્રેક એન્ડ ટ્રેસ દ્વારા રોગને નીચે રાખવામાં આવશે તો જ સામાજિક અંતરના ઉપાય દૂર કરી શકાશે. તે બધુ ક્યારે સક્ષમ બનશે તેનો આપણી પાસે જવાબ નથી, પરંતુ હજુ આપણે નીચે આવવાનું શરૂ કર્યું નથી અને તે કઈ ગતિએ નીચે આવશે તેની ખબર નથી. લોકડાઉન સમાપ્ત થાય તે માટે તે હજી પણ ‘ઘણું બધુ થવુ જરૂરી છે.’’
આ આંકડામાં વાયરસથી થતા સીધા મૃત્યુ અને આડકતરી રીતે થતા મૃત્યુનો સમાવેશ થાય છે અને ઑફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ (ઓએનએસ)ના ડેટાના આધારે તેની ગણતરી કરવામાં આવી છે. જે હોસ્પિટલોની અંદર અને બહારના મૃત્યુની ગણતરી કરે છે. કેર ક્વોલિટી કમિશન (સીક્યુસી) એ કેર હોમના મૃત્યુ અંગેના આંકડા એકત્રિત કરવાનું શરૂ કર્યું હતુ અને કહ્યું હતુ કે મોતની કુલ સંખ્યા હવે “બમણી સંખ્યા” થઈ ગઈ છે.
ડીપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ સોશ્યલ કેરે સંયુક્ત નિવેદનમાં કહ્યું હતુ કે “સીક્યુસીનું હાલનું પ્રારંભિક વિશ્લેષણ 15 એપ્રિલ સુધીનુ છે. એવી ધારણા છે કે 11થી 15 એપ્રિલની વચ્ચે કોવિડ-19ને લગતા કેર હોમ્સમાં થયેલા મૃત્યુની સંભાવના હાલમાં નોંધાયેલા કેર હોમના મૃત્યુ કરતા બમણી થઈ શકે છે. બિન-કોવિડ-19 મૃત્યુમાં પણ નોંધપાત્ર વધારો સૂચવવામાં આવ્યો હતો જે ખાસ ચિંતાજનક છે”.
ચીફ મેડિકલ ઑફિસર ક્રિસ વ્હ્ટીએ જણાવ્યું હતું કે “મને ખાતરી છે કે અમે કેર હોમ્સમાં મૃત્યુદર ઉંચો જોઇશું, કારણ કે તેઓ ખૂબ જ સંવેદનશીલ જૂથ છે અને લોકો – મુલાકાતીઓ કેર હોમ્સમાં આવે અને જાય છે જેને અમુક અંશે રોકી શકાય તેમ છે.”