લોકડાઉન, સામાજીક અંતર અને અન્ય પગલાના કારણે યુકેમાં મૃત્યુના દરમાં સતત ઘટાડો થઇ રહ્યો છે અને છેલ્લા ચોવીસ કલાકમાં માત્ર 350 નવા મૃત્યુ નોંધાયા હતા. જ્યારે યુકેનો કુલ મૃત્યુઆંક 21,000 નોંધાયો હતો. ઇંગ્લેન્ડમાં કોવિડ-19ના કારણે 329, સ્કોટલેન્ડમાં 13 અને વેલ્સમાં 8 મૃત્યુ નોંધાયા હતા. નોર્ધર્ન આયર્લેન્ડની ઘોષણા હજી બાકી છે. 30મી માર્ચ પછી પહેલી વખત અત્યાર સુધીના સૌથી ઓછા દૈનિક મૃત્યુ નોંધાયા છે. જ્યારે 8 એપ્રિલના રોજ બ્રિટનનો સૌથી ગોઝારો દિવસ જાહેર થયો હતો અને કુલ 980 મૃત્યુ નોંધાયા હતા.
એન.એચ.એસ. હોસ્પિટલોમાં રેકોર્ડિંગ લેગ હોવાને કારણે રવિવાર અને સોમવારના રોજ દૈનિક મૃત્યુઆંક ઘટતો જાય છે. પરંતુ આ તિવ્ર પતન એ વાતનો પુરાવો છે કે યુકેમાં રોગાચાળો હવે શમતો જાય છે.
મોતના આ આંકડા ફક્ત હોસ્પિટલોમાં થતાં મૃત્યુ સાથે સંબંધિત છે, કેર હોમ્સ જેવા અન્ય સ્થળોએ મરણ પામેલા લોકોનો સમાવેશ તેમાં થતો નથી. આરોગ્ય વિભાગની ગણતરી કરતાં મૃત્યુની સંખ્યા 40 ટકા સુધી વધી શકે છે.
ઇંગ્લેન્ડમાં મૃત્યુ પામનાર દર્દીઓની વય 29 અને 100ની વચ્ચેની હતી. જેમાંના બાવીસ લોકોને કોઇ બીમારી ન હતી. ઇંગ્લેન્ડની હોસ્પિટલમાં મૃત્યુની સંખ્યા હવે કુલ 18,749 થઇ છે. સ્કોટલેન્ડમાં કુલ મૃત્યુઆંક 1,262 અને વેલ્સનો આંક 796 થયો છે.
પ્રોફેસર ક્રિસ વ્હિટીની સાથે જૂથની અધ્યક્ષતા કરતા સર પેટ્રિક વોલેન્સે કહ્યું હતુ કે તેમણે અને અન્ય વરિષ્ઠ વૈજ્ઞાનિકોએ રોગચાળાની શરૂઆતમાં ‘ખૂબ જ વહેલા’ કેર હોમમાં થતા મોત અંગે રાજકારણીઓને ચેતવણી આપી હતી. 22 જાન્યુઆરીએ તેમની પ્રથમ કોરોનાવાયરસ ચર્ચા કરનાર સાયન્ટીફીક એડવાઇઝરી ગૃપ ફોર ઇમર્જન્સીઝ (SAGE) અઠવાડિયામાં લગભગ બે વાર બેઠક કરી રહ્યુ છે. ‘એન.એચ.એસ.ની સુરક્ષા કરો’ના મંત્ર અને વેન્ટિલેટર ખરીદવા તથા બેડ ખાલી કરવાની ઝુંબેશને પગલે લોકોના મોતને અટકાવી શકાયા હતા પરંતુ કેર હોમ્સમાં આવા કોઇ પ્રયત્નો થયા નહીં. જેને કારણે કેર હોમ્સમાં રહેતા રહેલા વૃધ્ધોના મોત COVID-19ના કારણે થવાની આશંકા છે.
કેર હોમને મદદનો અભાવ, નિયમિત ટેસ્ટ ઉપલબ્ધ ન કરાવવા, ચેપગ્રસ્ત અથવા મરી ગયેલા લોકોની સંખ્યાના અદ્યતન રેકોર્ડ્સ અને પૂરતા પ્રમાણમાં પી.પી.ઇ. નહિં પહોંચાડવાના કારણે સરકારની ટીકા કરવામાં આવી રહી છે.
- કોરોનાવાયરસ સાથે જોડાયેલ હોવાની શંકા ધરાવતા ‘ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમ’ના કારણે ICUમાં દાખલ થતા બાળકોની સંખ્યામાં તીવ્ર વધારો થતા એનએચએસ ડોકટરોએ ગંભીર ચેતવણી આકી છે.
- યુકેની અર્થવ્યવસ્થા ત્રણ વર્ષ સુધી 2019ના સ્તરે પાછી નહીં આવે.