ચૂંટણીપંચે શિવસેનાનું નામ અને ચૂંટણીપ્રતિક મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળના જૂથને ફાળવ્યાના બે દિવસ પછી ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સંજય રાઉતે રવિવારે આક્ષેપ કર્યો હતો કે શિવસેના પાર્ટીનું નામ અને તેનુ ધનુષ-બાણ ચિન્હ “ખરીદવા” માટે અત્યાર સુધીમાં રૂ.2000 કરોડનો સોદો થયો છે. જોકે શિંદે જૂથ અને ભાજપના નેતાઓએ આ દાવાને ફગાવી દઇને તેને ચૂંટણીપંચને બદનામ કરવાનો પ્રયાસ ગણાવ્યું હતું.
સંજય રાઉતે એક ટ્વીટમાં દાવો કર્યો હતો કે રૂ.2,000 કરોડ તો પ્રારંભિક આંકડો છે અને તે 100 ટકા સાચું છે. રાજ્ય સરકાર સાથે ગાઢ સંબંધો ધરાવતા એક બિલ્ડરે પાસેથી આ માહિતી મળી છે. તેમના દાવાના સમર્થનમાં પુરાવા છે. પુરાવા ટૂંક સમયમાં જાહેર કરશે. ટૂંક સમયમાં ઘણી બધી બાબતોનો ખુલાસો થશે. દેશના ઇતિહાસમાં આ પહેલા ક્યારેય આવું બન્યું નથી.”
ચૂંટણી પંચે શુક્રવારે એકનાથ શિંદેના નેતૃત્વવાળા જૂથને અસલી શિવસેના તરીકે માન્યતા આપી હતી અને તેને ધનુષ-બાણ ચૂંટણી ચિન્હ ફાળવવાનો આદેશ આપ્યો હતો.
જોકે શિંદે છાવણીના ધારાસભ્ય સદા સરવણકરે આ દાવાને ફગાવી દીધો હતો અને સામો સવાલ કર્યો છે કે શું સંજય રાઉત કેશિયર છે? મહારાષ્ટ્રના પ્રધાન અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા સુધીર મુનગંટીવારે પણ રાઉત પર વળતો પ્રહાર કરતા કહ્યું હતું કે આવી પાયાવિહોણી ટિપ્પણીઓ સુપ્રીમ કોર્ટ અને ભારતના ચૂંટણી પંચ જેવી સ્વતંત્ર સંસ્થાઓને બદનામ કરવાનો પ્રયાસ છે.