શ્રવણશક્તિ નહિં ધરાવતા સમુદાયને ટેકો આપવા માટે બ્રિટિશ સાઈન લેંગ્વેજ (બીએસએલ) ચાર્ટર અપનાવવાની પ્રતિબદ્ધતા પર બ્રેન્ટ કાઉન્સિલે બુધવારે તા. 27 જાન્યુઆરીના રોજ હસ્તાક્ષર કર્યા હતા. જે નિર્ણયને સૌ કોઇ દ્વારા આવકારવામાં આવ્યો હતો. આનાથી બધા લોકોને કાઉન્સિલ સર્વિસીસમાં સમાન પ્રવેશ મળશે.
હેરો એન્ડ બ્રેન્ટ યુનાઇટેડ ડેફ ક્લબના પ્રમુખ, આસિફ ઇકબાલે જણાવ્યું હતું કે ‘’આ ચાર્ટર શ્રવણશક્તિ નહિં ધરાવતા ઘણા લોકો માટે દરવાજા ખોલશે અને ખાતરી કરશે કે તેઓ મહત્વની માહિતી ગુમાવે નહીં. મને ખુશી છે કે અમે BSL ચાર્ટર વિકસાવવા અને અમારા સ્થાનિક શ્રવણશક્તિ નહિં ધરાવતા રહેવાસીઓને સ્થાનિક કાઉન્સિલની સેવાઓમાં સમાન મદદ મળે તે સુનિશ્ચિત કરવા માટે બ્રેન્ટ કાઉન્સિલ સાથે મળીને કામ કર્યું છે. કાઉન્સિલે ડેફ અવેરનેસ તાલીમ અને સ્ટાફને બીએસએલના અભ્યાસક્રમો પૂરા પાડીને બીએસએલ ચાર્ટર માટે પ્રતિબદ્ધતાનું સારું ઉદાહરણ દર્શાવ્યું છે.”
બ્રેન્ટ કાઉન્સિલના નેતા, કાઉન્સિલર મુહમ્મદ બટ્ટે જણાવ્યું હતું કે, ‘’ચાર્ટર ખાતરી આપવાનું એ અદ્યતન ઉદાહરણ છે કે દરેક લોકો માટે કાઉન્સિલની સેવાઓ ઉપલબ્ધ હોય છે. અમે ઇચ્છીએ છીએ કે બ્રેન્ટમાં આપણા બધા રહેવાસીઓ ઉત્સાહિત થાય અને વિવિધ સમુદાયો સાથે મળીને કામ કરે.”
ઝૂમ પર યોજાયેલા વર્ચ્યુઅલ કાર્યક્રમનું સંચાલન પાસ્કો સોયર્સે કર્યું હતું અને કાઉન્સિલના નેતા કાઉન્સિલર મુહમ્મદ બટ્ટ, ડેપ્યુટી લીડર અને ઇક્વિલિટીઝના લીડ મેમ્બર કાઉ. માર્ગારેટ મેક્લેનન, ચીફ એક્ઝિક્યુટિવ કેરોલાઇન ડાઉન્સ, હેરો અને બ્રેન્ટ યુનાઇટેડ ડેફ ક્લબના પ્રમુખ આસિફ ઇકબાલ, હેરો અને બ્રેન્ટ યુનાઇટેડ ડેફ ક્લબના ચેર નિર્મલ ઠક્કર, બ્રિટીશ ડેફ એસોસિએશનના ચેર લિન્ડા રિચાર્ડ્સ અને બીડીએના એક્સેસ અને ઇન્ક્લુઝન ઓફિસર રોબિન એશે ઉપસ્થિત રહી પ્રાસંગીક પ્રવચનો કર્યા હતા.