હાર્ટ ઑફ લંડન બિઝનેસ એલાયન્સ દ્વારા લંડનના લેસ્ટર સ્ક્વેરના ઇસ્ટર્ન ટેરેસ ખાતે ‘સીન્સ ઇન સ્ક્વેર’ સ્થિત સ્ટેચ્યુ ટ્રેઇલમાં ‘કિંગ ઓફ બોલીવૂડ’ શાહ રૂખ ખાન અને તેની કો-સ્ટાર કાજોલની કાંસ્ય પ્રતિમાને મૂકવાનું આયોજન કરાયું છે. આદિત્ય ચોપડાની જગવિખ્યાત ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ના પોઝમાં પ્રતિમા મૂકવામાં આવશે. અત્યાર સુધી સૌથી લાંબો સમય ચાલેલી આ હિન્દી ફિલ્મના એક ભાગમાં લેસ્ટર સ્ક્વેરનું દ્રશ્ય દર્શાવવામાં આવ્યુ હતું.
ફિલ્મની રિલીઝની 25મી વર્ષગાંઠ પર આ ઘોષણા કરવામાં આવી હતી. આ પ્રતિમાનું અનાવરણ 2021ની સ્પ્રિંગમાં કરવામાં આવનાર છે અને આયોજકોને આશા છે કે તેના સ્ટાર્સ ખાન અને કાજોલ ઉપસ્થિત રહી શકશે. લેસ્ટર સ્ક્વેરના ઓડીયન સિનેમા ખાતે તા. 30 મી ઑક્ટોબરથી વર્ષગાંઠની ઉજવણી તરીકે આ ફિલ્મનું પ્રદર્શન કરાશે. આ પ્રસ્તાવિત પ્રતિમા બોલિવૂડની વૈશ્વિક લોકપ્રિયતા અને સિનેમા બનાવવામાં મદદ કરી શકે તેવા કલ્ચરલ બ્રિજીસને યોગ્ય શ્રદ્ધાંજલિ છે અને તે વિશ્વભરના ચાહકોને આકર્ષિત કરશે.
યુકેમાં સ્થપાયેલી બોલીવુડના કલાકારોની આ પ્રથમ પ્રતિમા હશે. ડિઝાઈનને અંતિમ રૂપ આપવામાં આવ્યું છે અને સ્ટેચ્યુ માટે પ્લાનીંગ પરમિશનને સબમિટ કરવાની યોજના બનાવવામાં આવી છે. બોલિવૂડ સિનેમાના ‘રોમિયો એન્ડ જુલિયટ’ તરીકે ઓળખાતી આ ફિલ્મમાં બે બિન-નિવાસી ભારતીયો, રાજ અને સિમરનની લંડનના કિંગ્સ ક્રોસ સ્ટેશનથી ટ્રેનથી શરૂ થયેલી અને યુરોપ તથા ભારતમાં પાંગરેલી સ્ટાર-ક્રોસ લવ સ્ટોરીની વાર્તા હતી.
દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે અથવા ડીડીએલજે મુંબઈના મરાઠા મંદિર થિયેટરમાં 1,274 અઠવાડિયા એટલે કે અત્યાર સુધીની સૌથી લાંબી ચાલતી હિન્દી ફિલ્મ બની રહી છે, જે COVID-19 ને કારણે માર્ચમાં જ અટકી હતી.