શાહરુખ-કાજોલ અભિનીત એવરગ્રીન રોમેન્ટિક ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ 1995માં રિલીઝ થઈ હતી. હવે તેના નિર્માતા આદિત્ય ચોપરાએ વેલેન્ટાઈન્સ ડે નિમિત્તે આ ફિલ્મને ફરી રિલીઝ કરવાનો નિર્ણય લીધો હતો. આ ફિલ્મ રિલીઝ થઇ ત્યારથી મુંબઈના મરાઠા મંદિર થીયેટરમાં ચાલી રહી છે. સિનેમાના ઈતિહાસમાં સૌથી વધુ લાંબુ ચાલનારી આ ફિલ્મ પેઢીઓ સુધી ઈન્ડિયન રોમાન્સનો પર્યાય બનેલી છે. આ ફિલ્મને ફરીથી મિત્રો અને પરિવાર સાથે થીયેટરમાં જોવા માટે અનેક ચાહકો આતુર છે. વર્ષોથી આ પ્રકારની વિનંતી થઇ રહી છે. તેથી દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે ને 10મી ફેબ્રુઆરીથી એક અઠવાડિયા સુધી થીયેટર્સમાં પ્રદર્શિત કરાશે.
ભારતના 37 શહેરોમાં દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે રિલીઝ થશે. જેમાં મુંબઈ, પૂણે, અમદાવાદ, સુરત, વડોદરા, ગુડગાંવ, ફરિદાબાદ, લખનઉ, નોઈડા, દેહરાદૂન, દિલ્હી, ચંદીગઢ, કોલકાતા, ગુવાહાટી, બેંગલુરુ, હૈદરાબાદ, ચેન્નઈ, વેલ્લોર, ત્રિવેન્દ્રમનો સમાવેશ થાય છે. અગાઉ યશરાજ ફિલ્મ્સના 25 વર્ષની ઉજવણી વખતે આ ફિલ્મ રિલીઝ થઈ હતી. સંજોગવશાત 25 વર્ષ પછી આ પ્રોડક્શન હાઉસની ફિલ્મ પઠાણ સુપરહિટ સાબિત થઈ છે. તેથી ઓડિયન્સને દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે અને પઠાણ બંને ઓપ્શન મળી રહ્યા છે. એક ફિલ્મમાં દેશી રોમાન્સ છે, જ્યારે બીજીમાં સ્પાય યુનિવર્સનું થ્રિલર છે.