ચાલુ ફરજ પર ડ્રગ્સ સાથે મળી આવેલા વેસ્ટ એરિયા સાથે જોડાયેલા ડિટેક્ટીવ કોન્સ્ટેબલ હાશિમ વસીમને ગેરવર્તણૂકની સુનાવણી બાદ મેટ પોલીસમાંથી બરતરફ કરાયા હતા. સુનાવણી દરમિયાન તેમણે વ્યવસાયિક વર્તનના ધોરણોનો ભંગ કર્યો હોવાનું જણાયું હતું.
6 જુલાઈ 2022ના રોજ, એક અધિકારીને પોલીસ બિલ્ડિંગના ફ્લોર પરથી કોકેઇનનું એક પેકેજ મળ્યું હતું. સીસીટીવીની તપાસમાં ડીસી વસીમ ફરજ પર હતા ત્યારે તેમની પાસેથી કોકેઈનનો રેપ પડ્યો હોવાનું જણાયું હતું. તેની ઝડપથી ધરપકડ કરી તલાશી લેવાતા તેમના કબજામાંથી કોકેઈનના અન્ય બે પેકેટ મળી આવ્યા હતા.
ચીફ સુપરિન્ટેન્ડેન્ટ સીન વિલ્સને કહ્યું હતું કે “અમારા અધિકારીઓ જાણે છે કે ડ્રગ્સ આપણા સમાજ પર શું અસર કરી શકે છે અને તે અત્યંત ચિંતાજનક છે કે ડીસી વસીમ જાણતા હતા કે તેઓ ફરજ પર કે ઑફ ડ્યુટી હોય ત્યારે ક્યારેય ડ્રગ્સનો કબજો રાખી ન શકે. આ માટે તેને યોગ્ય રીતે મેટમાંથી બરતરફ કરવામાં આવ્યો છે. સંસ્થામાં આવા વર્તન માટે કોઈ સ્થાન નથી.”