બર્મિંગહામમાં રહેતી ચાર વર્ષિય બ્રિટીશ શીખ બાળા દયાલ કૌર 145 પોઇન્ટ સાથે ઉચ્ચ આઇક્યૂવાળા બાળકોની મેન્સા ક્લબમાં પ્રવેશ કરનારી યુકેનું સૌથી નાનુ બાળક બની છે. તે માત્ર 14 મહિનાની હતી ત્યારે જ તેણે આખા ઇંગ્લીશ મૂળાક્ષરોમાં નિપુણતા મેળવી હતી.
ગયા વર્ષે ઓક્ટોબરમાં તે ત્રણ વર્ષની હતી ત્યારે કોરોનાવાયરસ લૉકડાઉનને કારણે ઘરેથી ઑનલાઇન લેવાયેલા મેન્સા ટેસ્ટમાં તેણે 145નો આઈક્યૂનો સ્કોર કરી યુકેની વસ્તીના ટોચના એક ટકા એટલે કે એડવાન્સ્ડ કેટેગરીના લોકોમાં સ્થાન મેળવ્યું છે.
બ્રિટિશ મેન્સાના ચીફ એક્ઝિક્યુટિવ જહોન સ્ટીવનેજે જણાવ્યું હતું કે, “અમે દયાલને મેન્સામાં આવકારતાં ખુશી અનુભવીએ છીએ, જ્યાં તે લગભગ 2,000 જુનિયર અને ટીન મેમ્બર્સના સમુદાયમાં જોડાય છે. તેણીનો પરિવાર ક્લબના અન્ય માતાપિતાના નેટવર્કનો ઉપયોગ કરી શકે છે અને તે મોટી થતાં ઘણા આજીવન મિત્રો બનાવી શકશે અને મેન્સા દ્વારા આપવામાં આવતી કેટલાક શિક્ષણ અને નેટવર્કની તકોનો અનુભવ કરશે.”
દયાલ કૌરના પિતા સરબજીત સિંહે કહ્યું: “હવે સત્તાવાર દસ્તાવેજો છે જે સાબિત કરે છે કે તે તેના સ્તરથી આગળ છે. તે મિલિયનમાં એક છે.’’ દયાલ કૌરનું કુટુંબ મૂળ ભારતના પંજાબના હોશિયારપુરનુ વતની છે. તેને અવકાશયાત્રી બનવું છે અને પાતાનો ઘોડાઓથી ભરેલો તબેલો હોય તેવું સ્વપ્ન છે.
તેનું એસેસમેન્ટ કરનાર નિષ્ણાત લીન કેન્ડલે ભલામણ કરી હતી કે તેણીની ‘ક્ષમતા અને પરિપક્વતા’ને જોતા તેને શાળાના વર્ગના સેટિંગમાં તેના પીઅર જૂથથી આગળ મૂકવા માટે વિચારવું યોગ્ય રહેશે.
હાલ તો દયાલ તેના પિતા, એક વર્ષની બહેન કલ્યાણ અને સોલિસિટર માતા રાજવિંદર કૌર સાથે તેની આ મોટી સિધ્ધિની ઉજવણી કરી રહી છે.