વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટે ગુરુવારે (6 ફેબ્રુઆરી) દાઉદ ઇબ્રાહિમના સાગરિત જબિર મોતીવાલાની દલીલ ફગાવીને તેના અમેરિકા પ્રત્યાર્પણ (એક્સટ્રડિશન) ને મંજૂરી આપી છે. અમેરિકામાં તે મની-લોન્ડરીંગના કાવતરું, ખંડણી અને ડ્રગ આયાત કરવાના આરોપોમાં વોન્ટેડ હતો. જજ જોન ઝાનીએ એવો ચૂકાદો આપ્યો હતો કે, તેનું પ્રત્યાર્પણ માનવ અધિકારોના કાયદા મુજબ છે. આ કેસ અંતિમ નિર્ણય માટે હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ પાસે મોકલવામાં આવ્યો છે. જોકે, હોમ સેક્રેટરીના નિર્ણય પછી મોતીવાલા ઇંગ્લેન્ડ અને વેલ્સની હાઇકોર્ટમાં અરજી કરવા માટે મંજૂરી મેળવવા કાર્યવાહી કરશે.
તેણે નિર્ણયના 14 દિવસની અંદર અરજી કરવાની રહેશે અને મંજૂરી મળશે તો અરજીનો ચૂકાદો ન આવે ત્યાં સુધી તેનું પ્રત્યાર્પણ સ્થગિત રહેશે. જજે એવી ટિપ્પણી કરી છે કે, પ્રત્યાર્પણની વિનંતીમાં આપવામાં આવેલી માહિતી મુજબ, જે. એમ. (જબિર મોતીવાલા) પાકિસ્તાન, ઇન્ડિયા અને યુએઇ સ્થિત ઇન્ટરનેશનલ ક્રિમિનલ ઓર્ગેનાઇઝેશન- ‘ડી કંપની’નો મહત્ત્વનો સભ્ય હોવાનું કહેવાય છે. એવું પણ કહેવાય છે કે આ સંસ્થા અમેરિકામાં ડ્રગની હેરાફેરી, મનીલોન્ડરીંગ અને બ્લેકમેઇલ જેવી ગુનાઇત પ્રવૃત્તિઓમાં સક્રીય છે.
ઉલ્લેખનીય છે કે, દાઉદ ઇબ્રાહિમે ભારતમાં અનેક ગેરકાયદે પ્રવૃત્તિઓ કરી છે અને તે ભારતમાં ઘણા ગુનાઓમાં વોન્ટેડ છે. મોતિવાલાને વેન્ડ્ઝવર્થ જેલમાંથી વીડિયોલિન્ક દ્વારા કોર્ટમાં રજૂ કરાયો હતો. જજે ચૂકાદો આપતા તે ખુરશી પર ઢળી ગયો હતો અને તેણે કોર્ટમાં પોતાની ઓળખ ફરીથી જબિર સિદ્દિક તરીકે આપી હતી. જજ ઝાનીએ જણાવ્યું હતું કે, લંડનમાં આ કેસમાં તેની ધરપકડ થઇ ત્યારે તેણે જબિર સિદ્દિક નામ આપ્યું હતું.
પોલીસ અધિકારીઓએ તેને પૂછ્યું કે, તેણે ક્યારેય મોતિવાલા નામનો ઉપયોગ કર્યો છે તો ત્યારે તેણે હા કહી હતી. જોકે, મોતિવાલાના વકીલોએ તે ત્રાસવાદી ન હોવાનું જણાવીને અમેરિકામાં તેના પ્રત્યાર્પણ બાબતે મુદ્દો ઉઠાવ્યો હતો. પરંતુ જજે જણાવ્યું હતું કે, આ બાબતે અમેરિકન સત્તાવાળાઓએ જે ખાતરી આપી છે તેનાથી તેમને સંતોષ છે.