અભિનેતા આમિર ખાન, સુહાની ભટનાગર (ડાબી બાજુ) અને ઝાયરા વસીમ (જમણે)(PTI Photo)

આમિર ખાન સ્ટારર રેસલિંગ ડ્રામા ‘દંગલ’માં યુવા બબીતા ​​ફોગટની ભૂમિકા ભજવનાર અભિનેત્રી સુહાની ભટનાગરનું 16 ફેબ્રુઆરીએ દિલ્હીમાં માત્ર 19 વર્ષની ઉંમરે અવસાન થયું હતું. તેના પરિવારે જણાવ્યું હતું કે તે ડર્માટોમાયોસિટિસથી પીડિત હતી. આ એક દુર્લભ બિમારી છે, જેનાથી ત્વચા પર ફોલ્લીઓ અને સ્નાયુઓમાં નબળાઇ આવે છે.

19 વર્ષીય અભિનેત્રીને 7 ફેબ્રુઆરીના રોજ ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં દાખલ કરાઈ હતી અને મેડિકલ કોમ્પ્લીકેશન પછી 16 ફેબ્રુઆરીના રોજ તેનું મૃત્યુ થયું હતું. પરિવારે જણાવ્યું હતું કે બે મહિના પહેલા આ બિમારીના લક્ષણો દેખાયા હતાં અને માત્ર દસ દિવસ પહેલા જ રોગનું નિદાન થયું હતું. સુહાનીની માતા પૂજા ભટનાગરે જણાવ્યું હતું કે “લગભગ બે મહિના પહેલા તેના હાથ પર લાલ ડાઘ દેખાયા હતા. અમે અલગ-અલગ હૉસ્પિટલમાં ડૉક્ટરોની સલાહ લીધી હતી પરંતુ તેનું નિદાન થઈ શક્યું ન હતું.”

સુહાનીએ ‘દંગલ’માં આમિર ખાનની નાની દીકરી (જુનિયર બબીતા ​​ફોગટ)ની ભૂમિકા ભજવી હતી.આમિર ખાનની ટીમે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે ‘સુહાનીના નિધનના સમાચારથી અમે ખૂબ જ દુખી છીએ. તેના વિના દંગલ અધૂરી હોત. સુહાની, તું હંમેશા અમારા દિલમાં સ્ટાર બનીને રહીશ’.

 

LEAVE A REPLY