ફાઈલ ફોટો- પરષોત્તમ રૂપાલા

ગુજરાત ભાજપના પ્રમુખ સીઆર પાટીલે મંગળવારે રાજપૂત સમાજના સભ્યોને કેન્દ્રીય પ્રધાન અને પાર્ટીના રાજકોટ લોકસભા સીટના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાને રાજા રજવાડાના અંગેની તેમની ટિપ્પણી બદલ માફ કરવા વિનંતી કરી હતી. રુપાલાની આ ટીપ્પણીને કારણે લોકસભાની ચૂંટણી પહેલા ક્ષત્રિય સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે ત્યારે ભાજપ હવે ડેમેજ કંટ્રોલ કરી રહ્યો છે.

પાટીલે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં પક્ષના રાજપૂત નેતાઓ સાથે બેઠક યોજી રાજપૂત અથવા ક્ષત્રિય સમુદાયના સભ્યોને શાંત કરવા માટે ઉકેલ શોધવા માટે બેઠક યોજી હતી. મીટિંગ પછી પાટીલે રૂપાલાને માફ કરવા રાજપૂત સમુદાયને વિનંતી કરી હતી અને કહ્યું કે તેઓ આ બાબતે ત્રણ વખત માફી માંગી ચુક્યા છે. પાટીલના નિવાસસ્થાને મળેલી બેઠકમાં શાસક ભાજપના રાજપૂત નેતાઓ આઈ કે જાડેજા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ જાડેજા, કિરીટસિંહ રાણા, બળવંતસિંહ રાજપૂત અને જયદ્રથસિંહ પરમાર અને નવા ચૂંટાયેલા રાજ્યસભાના સભ્ય કેસરીદેવસિંહ ઝાલા હાજર રહ્યાં હતા.

પાટીલે જણાવ્યું હતું કે રૂપાલાએ તેમની ટિપ્પણી માટે ત્રણ વખત માફી માંગી છે તેમ છતાં રાજપૂતોમાં હજુ પણ રોષ છે. રાજપૂત સમાજે ઉદારતા દર્શાવવી જોઈએ અને તેમને માફ કરવો જોઈએ.

22 માર્ચના રોજ રાજકોટમાં એક સભાને સંબોધતા રૂપાલાએ કહ્યું હતું કે અગાઉના ‘મહારાજાઓ’એ વિદેશી શાસકો તેમજ અંગ્રેજોના જુલમ સામે શરણાગતિ સ્વીકારી હતી અને આ મહારાજાઓએ બ્રિટિશરો સાથે રોટી-બેટીનો વ્યવહાર કર્યો હતો. આ ટીપ્પણી પછી રાજપૂત સમાજ સુરત, અમદાવાદ, રાજકોટ અને વડોદરા સહિત રાજ્યના વિવિધ શહેરોમાં વ્યાપક વિરોધ કરી રહ્યાં છે અને રૂપાલા રાજકોટ બેઠકમાંથી ઉમેદવારી પાછી ખેંચી લેવી માગણી કરી રહ્યાં છે.

 

LEAVE A REPLY