ખિસ્તી અને ઇસ્લામ ધર્મ સ્વીકારતા દલિતોને અનામતના લાભની માગણી કરતી અરજી અંગે સુપ્રીમ કોર્ટે મંગળવારે કેન્દ્ર સરકારને ત્રણ સપ્તાહમાં તેનું વલણ સ્પષ્ટ કરવા તાકીદ કરી હતી.
ધર્મપરિવર્તન કરતાં અનુસૂચિત જાતિના સભ્યોને પણ હિન્દુ, બુદ્ધ અને શીખ ધર્મના દલિતો જેવા જ અનામતના લાભ આપવાની માગણી સાથે સુપ્રીમ કોર્ટમાં એક જાહેર હિતની અરજી થઈ છે. બીજી એક અરજીમાં મૂળ અનુસૂચિત જાતિના ખ્રિસ્તીઓને અનુસૂચિત જાતિને મળે છે તેવા જ અનામતના લાભ આપવાની માગણી કરાઈ છે.
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને જણાવ્યું હતું કે આ મુદ્દાની અસરો ઊભી થઈ શકે છે અને તેઓ કેન્દ્ર સરકારના હાલના વલણને રેકોર્ડમાં મૂકશે. આ પછી કોર્ટે તેમને ત્રણ સપ્તાહનો સમય આપ્યો હતો. કોર્ટે નિરીક્ષણ કર્યું હતું કે સામાજિક અસરોને કારણે આ તમામ મુદ્દા પેન્ડિંગ છે અને આ મુદ્દા પર નિર્ણય કરવો પડશે.
અરજદારો વતી એડવોકેટ પ્રશાંત ભુષણે જણાવ્યું હતું કે સરકારે અગાઉ જસ્ટિસ રંગનાથ મિશ્રા કમિશનની નિમણુક કરી હતી. આ કમિશને આ મુદ્દે વિગતવાર રીપોર્ટ આપ્યો છે. સોલિસિટર જનરલે જણાવ્યું હતું કે કમિશનની નિમણુકની બાબત આંશિક રીતે સાચી છે, પરંતુ તત્કાલિન સરકારે એવા આધારે કમિશનની ભલામણોનો સ્વીકાર કર્યો ન હતો કે કમિશને કેટલાંક તથ્યોની વિચારણા કરી નથી.
સર્વોચ્ચ અદાલતે આ કેસની સુનાવણી 11 ઓક્ટોબર સુધી મોકૂફ રાખી હતી અને પક્ષકારોને ટૂંકમાં જવાબ રજૂ કરવાની સૂચના આપી હતી. સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ એક પિટિશનમાં જણાવામાં આવ્યું છે કે હિન્દુ, શીખ અને બુદ્ધ સિવાયના ધર્મનું પાલન કરતા અનુસૂચિત જાતિના વ્યક્તિને બંધારણ (અનુસૂચિત જાતિ) આદેશ, 1950ના પેરાગ્રાફ3ના લાભથી વંચિત રાખી શકાય નહીં.