પંજાબની પટિયાલા સેશન કોર્ટે માનવ તસ્કરીના કેસમાં દલેર મહેંદીની સજા યથાવત રાખતા પંજાબ પોલીસે આ પ્રખ્યાત પંજાબી સિંગરની ગુરુવારે ધરપકડ કરી હતી. સિંગર દલેર મહેંદી પર આરોપ છે કે તેમણે ગેરકાયદે પ્રકારે લોકોને વિદેશ મોકલ્યા હતા. હાલમાં તેઓ જામીન પર હતા.
2018માં પટિયાલાની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે સિંગર દલેર મહેંદીને 2 વર્ષની કેદ અને રૂપિયા 2 હજારનો દંડ કર્યો હતો. સિંગર દલેર મહેંદીએ સજાના આ નિર્ણયની સમીક્ષા માટે પટિયાલા સેશન કોર્ટમાં અરજી કરી હતી. આ મામલે સુનાવણી કરી રહેલા એડિશનલ સેશન જજ એચએસ ગ્રેવાલે સિંગરની અરજી ફગાવી દીધી. આ નિર્ણય બાદ પોલીસે સિંગર દલેર મહેંદીની ધરપકડ કરી હતી. અગાઉ સજા 3 વર્ષ કરતા ઓછી હોવાથી સિંગરને જામીન મળી ગયા હતા. કબૂતરબાજી મામલે દલેર મહેંદીના ભાઈ શમશેરસિંહ પણ આરોપી છે.
દલેર મહેંદી વિરુદ્ધ આ કેસ 15 વર્ષ જૂનો છે. 2018માં પટિયાલા મેજિસ્ટ્રેટ કોર્ટે દલેર મહેંદીને 2 વર્ષની કેદ અને દંડની સજા ફટકારી હતી. વર્ષ 2003માં બખ્શીશ સિંહ નામના શખસે દલેર મહેંદી વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. તેઓ પર આરોપ લગાવ્યો કે તેઓ વિદેશમાં શૉ કરવા જતા ત્યારે 10 લોકોને ગેરકાયદેરીતે પોતાની સાથે અમેરિકા લઈ ગયા હતા.