સાઉથ આફ્રિકાના દંતકથા સમાન ફાસ્ટ બોલર ડેલ સ્ટેઈને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત મંગળવારે (31 ઓગસ્ટ) કરી હતી. સ્ટેઈને ટ્વીટર ઉપર આ જાહેરાત કરતાં કહ્યું હતું કે, આ નિર્ણય થોડો કડવો અને મીઠો (બિટરસ્વીટ) છે, છતાં હું સૌનો આભારી છું.
સ્ટેઈન સાઉથ આફ્રિકા તરફથી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટનો રેકોર્ડ ધરાવે છે. તે 93 ટેસ્ટ મેચ, 125 વન-ડે ઈન્ટરનેશનલ્સ તથા 47 ટી-20 ઈન્ટરનેશનલ્સ રમ્યો છે. તેણે ટેસ્ટ ક્રિકેટમાંથી તો 2019માં જ નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી, પણ વન-ડે તેમજ ટી-20માં રમવાનું ચાલુ રાખવાનો તેનો ઈરાદો હતો. જો કે, છેલ્લે ફેબ્રુઆરી 2020માં તે ઓસ્ટ્રેલિયા સામેની ટી-20 મેચમાં રમ્યા પછી તેને તક આપવામાં આવી નહોતી.
સ્ટેને ટેસ્ટ ક્રિકેટમાં 439, વન-ડેમાં 196 અને ટી-20માં 64 વિકેટ ખેરવી હતી. તે ભારતની આઈપીએલ સહિત વિશ્વની કેટલીયે ટી-20 લીગ સ્પર્ધાઓમાં પણ રમી ચૂક્યો છે. તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો આરંભ ઘરઆંગણે પોર્ટ એલિઝાબેથ ખાતે 17 ડીસેમ્બર, 2004ના રોજ ઈંગ્લેન્ડ સામે થયો હતો.