દલાઈ લામાએ અમેરિકામાં જન્મેલા આઠ વર્ષના મોંગોલિયન બાળકને બૌદ્ધ ધર્મના ત્રીજા સૌથી મોટા ધર્મગુરુ તરીકે માન્યતા આપી છે. તેમણે આ બાળકને 10મા ખલખા જેત્સુન ધંપા રિનપોચે જાહેર કર્યા છે. તિબેટિયન બુદ્ધ પરંપરામાં દલાઈ લામા અને પંચેમ લામા પ્રથમ અને બીજા ક્રમનો સૌથી મોટો ધાર્મિક હોદ્દો છે.
ટાઇમ્સના રીપોર્ટ મુજબ 8 માર્ચે હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં લગભગ 600 ઉપાસકોની સાથે ધાર્મિક સમારોહ યોજાયો હતો. દલાઈ લામાએ તેમના અનુયાયીઓને કહ્યું કે આજે આપણી સાથે મંગોલિયાના ખલખા જેત્સુન ધંપા રિનપોચેનો પુનર્જન્મ થયો છે. દલાઈ લામા હાલમાં ધર્મશાળામાં રહે છે.
તિબેટીયન બૌદ્ધ ધર્મના ત્રીજા સર્વોચ્ચ લામા તરીકે મોંગોલિયાના આઠ વર્ષના બાળકના અભિષેકથી ચીનને નારાજ થવાની સંભાવના છે. ચીન માને છે કે બુદ્ધ ધાર્મિક ગુરુઓને માન્યતા આપવાનો માત્ર તેની સરકાર પાસે હક છે. 1995માં દલાઈ લામાએ 11મા પંચેમ લામાનું નામ જાહેર કર્યું ત્યારે ચીની સત્તાવાળાઓએ તરત જ તેમનું અને તેમના પરિવારનું અપહરણ કર્યું હતું અને તેઓ ફરી ક્યારેય જોયા મળ્યા ન હતા. આ પછી ચીને તિબેટીયન બૌદ્ધ ધર્મના બીજા સૌથી મહત્વપૂર્ણ આધ્યાત્મિક નેતા પંચેમ લામાને તેના પોતાના ઉમેદવાર સાથે બદલી નાખ્યા હતો.
તિબેટીયન બૌદ્ધ પરંપરામાં લામાઓની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેમને ભગવાન બુદ્ધના અવતાર તરીકે જોવામાં આવે છે. આગામી લામા વિશે વિવિધ અટકળો લગાવવામાં આવી રહી છે. આ બધાની વચ્ચે દલાઈ લામાએ અમેરિકામાં જન્મેલા આઠ વર્ષના મોંગોલિયન છોકરાને ત્રીજા મોટા અવતાર તરીકે પસંદ કર્યો છે.