ચીનના સંભવિત વિરોધની પરવા કર્યા વગર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે તિબેટના ધર્મગુરુ દલાઈ લામાને ફોન કરીને તેમને જન્મદિવસની શુભકામના આપી હતી. ચીન સાથે ગલવાન વેલીમાં ચીનના લશ્કરી દળો સાથે ભારતના સંઘર્ષ બાદ ગયા વર્ષે મોદીએ જાહેરમાં શુભકામના આપી ન હતી.
વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને જણાાવ્યું હતું કે તિબેટના ધર્મગુરુ દલાઇ લામાના 86માં જન્મદિને તેમને ફોન કરીને શુભકામના આપી હતી. અમે લાંબા અને આરોગ્યપ્રદ જીવનની તેમને શુભકામના આપીએ છીએ.
છેલ્લાં છ દાયકાથી ભારતમાં રહેતા દલાઈ લામાને ચીન પોતાનો દુશ્મન માને છે અને વિશ્વના કોઇ પણ નેતા તેમની સાથે વાત કરે તો તેનો વિરોધ કરે છે. ચીન 1950માં તિબેટને હડપ કરી ગયું હતું અને દલાઈ લામાએ 1959માં ભારતમાં શરણ લેવી પડી હતી. ચીન દલાઈ લામાનો સતત વિરોધ કરી રહ્યું છે અને તેનાથી મોદીની આ શુભકામનું વિશેષ મહત્ત્વ છે. ચીનની નારાજગીને ધ્યાનમાં રાખીને ભારતના નેતાઓ પણ જાહેરમાં દલાઇ લામા સાથે કોઇ વાતચીત કરતા નથી.
ભારતના હિમાચલપ્રદેશના ધરમશાળામાં દર વર્ષે તેમના જન્મદિનની ઉજવણીને તિબેટ સમુદાયની સૌથી મોટી ઇવેન્ટ માનવામાં આવે છે. વર્ચુઅલ સંબોધનમાં દલાઇ લામાએ જણાવ્યું હતું કે શરણાર્થી બન્યા બાદ તેમને ભારતની સ્વતંત્રતા અને ધાર્મિક સંવાદિતતાનો સંપૂર્ણ લાભ મળ્યો છે.