અગ્રણી શીખ સ્વતંત્રતા સમર્થક દબિન્દરજિત સિંહ સિધ્ધૂને ‘ઉગ્રવાદ’ માં સાથીદાર બનવાના આક્ષેપ બદલ લેબર નેતા કેર સ્ટાર્મરે પીયરેજ આપવા સામે છેલ્લી ઘડીએ રોક લગાવી હતી તેમ બહાર આવ્યું છે.. શ્રી સિંહ ભારતના પંજાબમાં સાર્વભૌમ શીખ રાજ્ય ખાલિસ્તાનની સ્થાપના માટે લાંબા સમયથી પ્રચાર કરી રહ્યા છે. જાહેરાતના દિવસે જ તેમનું નામાંકન પાછુ ખેંચી લેવાયું હતું.
પરંતુ વરિષ્ઠ જાહેર અધિકારી દબિંદરજિત સિંહ સિધ્ધૂના મિત્રોએ તેઓ કટ્ટરપંથી હોવાની વાત ‘સંપૂર્ણ બકવાસ’ હોવાનું ભારપૂર્વક જણાવ્યા પછી લેબર નેતાને તેમના નિર્ણયનો ખુલાસે કરવા લોકોના કોલ્સનો સામનો કરવો પડી રહ્યો છે. સર કેરને એવી પણ વિનંતી કરવામાં આવી છે કે ‘’શું તેમને ચેતવણી આપવામાં આવી હતી કે ભારત સરકાર સિંઘને સન્માન મળતું જોઇને ગુસ્સે થશે.’’
આ મહિનાના અંતમાં બોરીસ જોન્સન ભારતની મુલાકાત લેવાના હતા ત્યારે જ સિધ્ધૂને પિયરેજ મળે તો તે મુલાકાત સંવેદનશીલ બને તેમ હતું. શ્રી સિંઘ ક્રિસમસની ઘોષણા પૂર્વે જાહેર કરાયેલા છ નવા લેબર પીઅર્સમાંના એક હતા. પરંતુ ઘોષણાના દિવસે જ તેમને કહેવામાં આવ્યું હતું કે સર કેરે તેમનું નામાંકન પાછું ખેંચ્યું છે. જો કે સિક્યુરીટી સેવાઓએ આ અંગે હાઉસ ઑફ લોર્ડ્સ એપોઇન્ટમેન્ટ કમિશનને પિયરેજ આપવા કોઇ વાંધો રજૂ કર્યો ન હતો.
55 વર્ષના સિંઘને 2008માં એવા અહેવાલોનો સામનો કરવો પડ્યો હતો કે તેઓ ઇન્ટરનેશનલ શીખ યુથ ફેડરેશનના સભ્ય હતા, જેના પર યુકેમાં 2001માં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. હોમ ઑફિસ દ્વારા તેના સભ્યો રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો હોવાની ચેતવણી આપવામાં આવી હતી.
ઇવનિંગ સ્ટાન્ડર્ડે અહેવાલ આપ્યો છે કે 2007ના જૂન મહિનામાં, તેમણે ટ્રફાલ્ગર સ્ક્વેરમાં એક રેલીમાં ભાષણ કર્યું હતું. જેમાં પ્રતિબંધિત શીખ આતંકી જૂથ – બબ્બર ખાલસાના બેનરો દેખાયા હતા જેણે આયર્લેન્ડના કાંઠે એર ઈન્ડિયાના વિમાનને બોમ્બથી ઉડાવી દીધું હતું. જેમાં તમામ 329 ક્રૂ અને મુસાફરોનાં મોત નીપજ્યાં હતાં.
આઈએસવાયએફ પરનો પ્રતિબંધ 2016માં તત્કાલીન ગૃહ સચિવ થેરેસા મે દ્વારા હટાવવામાં આવ્યો હતો. શીખ ફેડરેશન યુકેએ આની નિંદા કરી હતી.