મુંબઈના પ્રખ્યાત ડબ્બાવાળાઓએ રાજ્યાભિષેક સમારોહ પહેલા કિંગ ચાર્લ્સ ત્રીજાને ખાસ ભેટ તરીકે 19મી સદીની મહારાષ્ટ્રના પુણે શહેરના ગૌરવ અને સન્માનના પ્રતીક સમાન પરંપરાગત ‘પુનેરી પગડી’ અને ‘ઉપરણું ભેટ તરીકે મોકલ્યાં હતા. ‘ઉપરણું’ પરંપરાગત સમારંભોમાં પુરુષો ખભા પર નાંખે છે.
મુંબઈ ડબ્બાવાલા સંગઠનના પ્રમુખ રામદાસ કરવંદેએ કિંગ ચાર્લ્સને રાજ્યાભિષેક માટે શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું કે ‘’આ વખતે અમને રાજ્યાભિષેક સમારોહ માટે આમંત્રણ આપવામાં આવ્યું નથી. પણ બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનના અધિકારીઓને તાજ હોટેલમાં ‘પુનેરી પગડી’ અને ‘ઉપરણું’ સોંપ્યા હતાં. એપ્રિલ 2005માં લંડનમાં યોજાયેલા પ્રિન્સ ચાર્લ્સ અને કેમિલા પાર્કર બાઉલ્સના શાહી લગ્નમાં ડબ્બાવાલા એસોસિએશનના બે સભ્યોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમણે અમને આમંત્રણ આપી અભિવાદન કર્યું તેથી અમારા સભ્યો આનંદિત અને અભિભૂત થયા હતા.”
2003માં ભારતની મુલાકાત વખતે પ્રિન્સ ચાર્લ્સે ડબ્બાવાળાઓને મળીને તેમની કાર્ય સંસ્કૃતિથી પ્રભાવિત થઇ તેમની કાર્ય કુશળતા, ચોકસાઈ અને સમયની પાબંદીની પ્રશંસા કરી હતી. ડબ્બાવાલા વૈશ્વિક સ્તરે પ્રખ્યાત લંચબોક્સની ડિલિવરી અને રિટર્ન સિસ્ટમ ચલાવે છે. જે લોકોના ઘર અને રેસ્ટોરન્ટમાંથી ટીફીનો ઉઘરાવીને ગરમ લંચ સપ્લાય કરે છે.