કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓ માટેના મોંઘવારી ભથ્થુ (ડીએ) અને પેન્શનર્સ માટેની મોંઘવારી રાહત (ડીઆર)ને 3 ટકા વધારીને 34 ટકા કરી છે. તેનાથી કેન્દ્ર સરકારના આશરે 1.16 કરોડ કર્મચારીઓ અને પેન્શનર્સને લાભ થશે. આ વધારો પહેલી જાન્યુઆરી 2022થી અમલી બને છે. મોંઘવારી ભથ્થુ હાલના કર્મચારીઓને મળે છે, જ્યારે મોંઘવારી રાહત (ડીઆર) પેન્શર્સને મળે છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારાને પગલે સામાન્ય રીતે રાજ્ય સરકારના કર્મચારીઓના ડીએમાં પણ વધારો થતો હોય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ આજે યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠક બાદ સત્તાવાર નિવેદનમાં જણાવાયું હતું કે કેન્દ્રીય કેબિનેટે પહેલી જાન્યુઆરી 2022ની અસરથી કેન્દ્ર સરકારના કર્મચારીઓના ડીએ અને પેન્શનર્સના ડીઆરનો વધારાનો ઇન્સ્ટોલમેન્ટ જારી કરવાની દરખાસ્તને મંજૂરી આપી છે, જે બેઝિક પે-પેન્શનના હાલના 31 ટકાની રેટ કરતાં 3 ટકા વધુ છે. ભાવવધારાને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્ણય કર્યો છે. હકીકતમાં ભારતમાં રિટેલ ફુગાવો અથવા કન્ઝ્યુમર પ્રાઇસ ફુગાવો ચાલુ વર્ષે સતત બીજા મહિને રિઝર્વ બેન્કના 6 ટકાના ટાર્ગેટ કરતાં વધુ રહ્યો છે. ફુગાવાના આ ડેટામાં યુક્રેન-રશિયા યુદ્ધને પગલે ક્રૂડ ઓઇલના ભાવમાં આવેલા ઉછાળોનો સમાવેશ થયો નથી. અર્થશાસ્ત્રીઓ માને છે કે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારાથી તમામ ચીજવસ્તુઓના ભાવમાં વધારો થવાની શક્યતા છે.
નિવેદનમાં જણાવાયું છે કે આ વધારો સાતમા કેન્દ્રીય વેતન પંચની ભલામણ આધારિત સ્વીકાર્ય ફોર્મ્યુલા મુજબનો છે. કેબિનેટ નોટિફિકેશનમાં જણાવાયું હતું કે બેઝિક પે એટલે 7માં વેતન પંચના માળખા મુજબ નિર્ધારિત કરવામાં આવેલા વેતનનો ઉલ્લેખ કરે છે અને તેમાં સ્પેશ્યલ પે જેવા બીજા પ્રકારના પેનો સમાવેશ થતો નથી.
મોંઘવારી ભથ્થુ અને મોંઘવારી રાહત એમ બંનેમાં વધારાથી સરકારીની તિજોરી પર વાર્ષિક કુલ રૂ.9,544.50 કરોડનો બોજ પડશે. સરકારના નિર્ણયથી 47.68 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 68.62 લાખ પેન્શનર્સને લાભ થશે.
ગયા વર્ષના ઓક્ટોબરમાં દિવાળી ગીફ્ટ તરીકે કેબિનેટે આ બંને ભથ્થાને 3 ટકા વધારીને 31 ટકા કર્યા હતા. તે પહેલી જુલાઈ 2021થી અમલી બન્યા હતા. જુલાઈ પહેલા સરકારે મોંઘવારી ભથ્થુ અને મોંઘવારી રાહત બંનેને રિસ્ટોર કરીને ભથ્થાનો રેટ 17 ટકાથી વધારીને 28 ટકા કર્યો હતો. કોરોના મહામારીને કારણે કેન્દ્ર સરકારે ડીએ અને ડીઆરના ત્રણ એડિશનલ ઇન્સ્ટોલમેન્ટને સ્થિગિત કર્યા હતા, જે પહેલી જાન્યુઆરી 2020, પહેલી જુલાઈ 2020 અને પહેલી જાન્યુઆરી 2021ના રોજ નિર્ધારિત હતા.