ઓક્સફર્ડ એસ્ટ્રાજેનેકાની કોરોનાની વેક્સિનના ઉત્પાદન માટે જાણીતી ભારતની સિરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા (SII)ના સંચાલક પૂનાવાલા ગ્રુપના ચેરમેન સાયરસ પૂનાવાલા પણ પોતાના પુત્ર અદાર પૂનાવાલા અને એમના પરિવાર પાસે સમર વેકેશન માણવા લંડન પહોંચી ગયા છે. પરંતુ તેમણે દેશ છોડ્યો હોવાનો ઇન્કાર કર્યો હતો.
લંડનથી પ્રકાશીત થતા ધ સન્ડે એક્સપ્રેસ દૈનિકને સાયરસ પૂનાવાલાએ કહ્યું હતું કે ‘’હું દર વર્ષની જેમ મારા રૂટીન ‘સમર વેકેશન’ પર છુ. મેં કે મારા પુત્રએ આ કટોકટીની ઘડીએ દેશ છોડી દીધો છે એવું કોઇ પણ તારણ કાઢવું ખોટું અને બદઇરાદાભર્યું છે. હું વરસોથી મે માસમાં ભારત બહાર જાઉ છું.’’
સિરમ ઇન્સ્ટિટયુટના સીઇઓ અદાર પૂનાવાલા છેલ્લા 1 મહીના કરતા વધુ સમયથી લંડનમાં છે અને તેમણે જણાવ્યું હતું કે ‘’દેશમાં રસીની માંગને પહોંચી વળવા કંપની કોવિડ-19 રસી કોવિશિલ્ડનું ઉત્પાદન વધારવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહી છે. અમે યુરોપમાં કેટલાક નવા ઓપરેશન્સ શરૂ કરવાના વિકલ્પોની શોધ કરી રહ્યા છે અને યુરોપમાં મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ સાથે પ્રારંભિક જોડાણો તરફ ધ્યાન આપી રહ્યા છે.’’
આ અગાઉ તેમણે ફરિયાદ કરી હતી કે મારી કંપની દ્વારા બનાવાતી કોવિશીલ્ડ વેક્સિનની ઝડપી ડિલીવરી માટે મને રાજકારણીઓ અને વગદાર લોકો ફોન પર ધમકીઓ આપે છે.