સાયપ્રસમાં 300,000 બિલાડીઓના મરણ થયા બાદ કોરોનાવાઇરસનો સ્ટ્રેઇન મનાતા ફેલાઇન ઇન્ફેક્શન પેરીટોનાઈટીસ (FIP) ના કેસોમાં “ચિંતાજનક વધારો” થયા બાદ બિલાડીઓને થતો કોરોનાવાઇરસનો પ્રકોપ બ્રિટનમાં પણ ફેલાઈ શકે છે એવી આશંકાઓ ઉભી થઇ છે.
વેટરનરી સર્જનોએ જણાવ્યું હતું કે આ કોરોનાવાઇરસનો સ્ટ્રેઇન છે જે મનુષ્યોમાં ફેલાતો નથી. FIP ના લક્ષણોમાં તાવ, પેટમાં સોજો, ઊર્જાની ખોટ અને આક્રમક વર્તનનો સમાવેશ થાય છે. તથા બિલાડીના બચ્ચાં અને નાની બિલાડીઓ સૌથી વધુ અસરગ્રસ્ત થાય છે.
યુનિવર્સિટી ઓફ એડિનબરાના બિલાડીઓની દવાના નિષ્ણાત પ્રોફેસર ડેનિઅલ ગુન-મૂરે જણાવ્યું હતું કે ‘’આવો પ્રકોપ ઇતિહાસમાં ક્યારેય જોવા મળ્યો નથી. શેરીઓમાં મૃત બિલાડીઓના અહેવાલો જોતાં FIPનો આ સ્ટ્રેઇન અન્ય કરતા વધુ ઘાતક હોવાનું છે. કેટલાક પુરાવા છે કે વાયરસ ટર્કી, લેબનોન અને ઇઝરાયેલમાં ફેલાયો છે. જો આ વાઇરસ યુકેમાં ફેલાશે તો ઘણી બિલાડીઓના મૃત્યુનું કારણ બની શકે છે.”
સાયપ્રસમાં લગભગ એક મિલિયન બિલાડીઓ હોવાનું માનવામાં આવે છે. 7,500 બીસી અને 7,000 બીસી વચ્ચે ટાપુ પરની કબરોમાંના માનવ અવશેષો પાસેથી બિલાડીના હાડકાં મળી આવ્યા હતા. રેમડેસિવીર દવાને સાયપ્રસમાં આયાત કરવાની મંજૂરી અપાઇ છે પરંતુ 3 અને 4 કિલોગ્રામ વજનની બિલાડી માટે તેનો ભાવ £2,500 અને £6,000 ની વચ્ચેનો છે.