ભારતના પડોશી દેશ મ્યાનમાર અને બાંગ્લાદેશના દરિયાઇમાં વિસ્તારમાં રવિવારે ત્રાટકેલા શક્તિશાળી મોચા નામના વાવાઝોડાlR ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા હતો અને અનેક લોકોનું સ્થળાંતર કરવું પડ્યુ હતું. આ વાવાઝોડાએ બંને દેશોમાં ભારે વિનાશ વેર્યો હતો. આ ચક્રવાતને કારણે આશરે પાંચ લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની ફરજ પડી હતી.
બાંગ્લાદેશમાં મોચા બપોરના સમયે ટેકનાફના દરિયાકાંઠે ત્રાટક્યું હતું. આ વાવાઝોડું પહેલાં બાંગ્લાદેશના સેન્ટ માર્ટિન દ્વિપ ઉપરથી પસાર થયું હતું જ્યાં પણ ભારે વિનાશ સર્જાયો હતો.
મ્યાનમારમાં આશરે કલાકના 209 કિ.મીની ઝડપે ફૂંકાયેલા પવન અને ભારે વરસાદને કારણે અનેક વૃક્ષો ધરાશાયી થવા ઉપરાંત ઘણાં મકાનોના છાપરાં ઉડી ગયા હતાં. મોબાઈલ ટાવર્સ તૂટી જતાં અનેક જગ્યાએ ઇન્ટરનેટ સહિતનો સંદેશાવ્યવહાર પણ ખોરવાયો હતો. દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતાં હજારો લોકોએ મઠ, ધાર્મિક સ્થળો તથા શાળાઓમાં આશ્રય લીધો હતો.બાંગ્લાદેશના હવામાન વિભાગના પ્રવક્તા એકેએમ નઝમુલ હુડાએ જણાવ્યું હતું કે વાવાઝોડું બપોરે નાફ નદીના માર્ગે ટેકનાફના દરિયાતટે અપેક્ષા કરતાં વહેલા ત્રાટક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે મોડી રાત સુધીમાં વાવાઝોડાનું જોર ઘટવાની સંભાવના છે.