અરબી સમુદ્રમાંથી ઉદભવેલું વાવાઝોડુ બિપરજોય રવિવાર (11 જૂન)એ “અત્યંત ગંભીર ચક્રવાતી વાવાઝોડા”માં ફેરવાયું હતું. વાવાઝોડુ બિપરજોય ઉત્તર તરફ આગળ વધીને 15 જૂને પાકિસ્તાન અને તેની નજીકના સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે પહોંચે તેવી સંભાવના છે, એમ ભારતના હવામાન વિભાગે જણાવ્યું હતું.
ગુજરાતમાં આગામી પાંચ દિવસ દરમિયાન વાવાઝોડાની ગતિવિધિ જોવા મળશે, ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશમાં પવનની ગતિ વધુ રહેશે. ગુરુવાર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છનો દરિયો તોફાની બનવાની શક્યતા છે.
અરબી સમુદ્રના કિનારે આવેલા ગુજરાતના વલસાડમાં લોકપ્રિય પર્યટન સ્થળ તિથલ બીચ દરિયામાં ઊંચા મોજા અને ભારે પવનને કારણે પ્રવાસીઓ માટે અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવ્યો છે. હવામાન વિભાગે માછીમારોને ગુજરાત, કેરળ, કર્ણાટક અને લક્ષદ્વીપના દરિયાકાંઠે આવેલા દરિયામાં ન જવાની સલાહ આપી છે.
છેલ્લા એક સપ્તાહથી, ભારતીય કોસ્ટ ગાર્ડની તમામ દરિયાઇ એજન્સીઓ માછીમારો સાથે નિયમિત પણે સંપર્કમાં છે. IMDએ જણાવ્યું હતું હતું કે “રાજ્ય સરકારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ ચાંપતી નજર રાખે, તેમના વિસ્તારોમાં નિયમિતપણે પરિસ્થિતિનું નિરીક્ષણ કરે અને યોગ્ય સાવચેતીનાં પગલાં લે. જિલ્લા સત્તાવાળાઓને તે મુજબ સલાહ આપવામાં આવે છે.”
પાકિસ્તાન સરકારે સિંધ અને બલૂચિસ્તાનના અધિકારીઓને પણ સતર્ક રહેવાની સલાહ આપી છે. આ ચક્રવાતને બાંગ્લાદેશે બિપરજોય નામ આપ્યું હતું. આ મનો અર્થ બંગાળીમાં “આપત્તિ” અથવા “આફત” થાય છે.