બિપરજોય વાવાઝોડુ ગુરુવાર, 15 જૂનની રાત્રે કચ્છના જખૌ પોર્ટ પર ત્રાટકતા કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે તારાજી સર્જાઈ હતી. વાવાઝોડાને પગલે પ્રતિકલાક 125થી 140ની ઝડપે આખી રાત સુસવાટા મારતો પવન ફુંકાયો અને ભારે વરસાદ પડ્યો હતો. તેનાથી ઓછામાં ઓછા બે લોકોના મોત થયાં હતાં અને 22 ઘાયલ થયાં હતાં. વીજળીના અનેક થાંભલા અને વૃક્ષો ધારાશાયી થઈ ગયાં હતાં. સરકારે કચ્છ વિસ્તારમાં અગાઉથી વીજળી સપ્લાય બંધ કર્યો હતો. આ વાવાઝોડું લેન્ડફોલ પછી નબળું પડીને રાજસ્થાન તરફ આગળ વધ્યું હતું.
રાજ્યના અધિકારીઓના જણાવ્યા અનુસાર વાવાઝોડાની સાથે ભારે પવન સાથે ભારે વરસાદને કારણે ગુજરાતમાં વિવિધ સ્થળોએ 524થી વધુ વૃક્ષો અને વીજળીના થાંભલા ધરાશાયી થયા હતા, જેના કારણે લગભગ 940 ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. ભાવનગર જિલ્લામાં ફસાયેલી તેમની બકરીઓને બચાવવાનો પ્રયાસ કરતી વખતે એક પશુપાલક અને તેનો પુત્ર મૃત્યુ પામ્યાં હતા.
10 દિવસથી વધુ સમય સુધી અરબી સમુદ્રમાં રહ્યાં પછી ચક્રવાત બિપરજોયે ગુરુવારે સાંજે 125 કિમી પ્રતિ કલાકથી 140 કિમી પ્રતિ કલાકની પવનની ઝડપ સાથે ગુજરાતના જખૌ બંદર નજીક લેન્ડફોલ કર્યું હતું. હવામાન વિભાગે જણાવ્યું હતું કે 16 અને 17 જૂને રાજસ્થાનમાં ભારે વરસાદની સંભાવના છે. વાવાઝોડાને આગાહીને પગલે ગુજરાત સરકારે અગાઉથી દરિયાકાંઠાથી આશરે 10 કિમીની અંતરમાં રહેલા આશરે એક લાખ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડયાં હતા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને ચક્રવાતી વાવાઝોડાના લેન્ડફોલ પછીની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. પીએમ મોદીએ ગીરના જંગલમાં સિંહ સહિત વન્ય પ્રાણીઓની સુરક્ષા વ્યવસ્થાની વિગતો પણ પૂછી હતી.
ચક્રવાતને કારણે ટ્રેન સેવાઓ પર પણ અસર પડી હતી. પશ્ચિમ રેલ્વેએ જણાવ્યું હતું કે ગુજરાતના બિપરજોય પ્રભાવિત વિસ્તારોમાંથી દોડતી, ઉપડતી અથવા સમાપ્ત થતી લગભગ 99 ટ્રેનો રદ કરાઈ છે અથવા રૂટ ટુકાવી દેવામાં આવ્યા છે. ગુજરાતના જામનગર એરપોર્ટ પર વાણિજ્યિક કામગીરી શુક્રવાર સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. એરપોર્ટ સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે કટોકટીની સ્થિતિમાં એરપોર્ટને ચલાવવા માટે જરૂરી ડીઝલ અને પેટ્રોલનો સંગ્રહ કરવામાં આવ્યો છે.