પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ગુજરાતના પોરબંદરથી દક્ષિણ દિશામાં દક્ષિણપૂર્વ અરબ સાગર ઉપર સર્જાયેલું ડિપ્રેશન ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાની અને તે ચક્રવાતી તોફાનમાં પરિણવાની શક્યતા છે. ચક્રવાતી તોફાનને બાંગ્લાદેશે આપેલું નામ બિપરજોય છે. ચક્રવાતી તોફાન ગુરુવારની સવાર સુધીમાં તીવ્ર ચક્રવાતી તોફાનમાં અને શુક્રવાર સાંજ સુધીમાં અત્યંત તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં પરિણમશે. વાવાઝોડાથી ગુજરાત, મહારાષ્ટ્ર સહિત પશ્ચિમ ભારતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા છે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વાવાઝોડું બિપરજોયના સંભવિત ખતરાને ધ્યાનમાં રાખતા ગુજરાત સરકારે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો તૈયાર કરી રાખી છે.

અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાવાથી વાવાઝોડું વધારે એક્ટિવ થયું હોવાને પગલે સૌરાષ્ટ્રના ઓખા, વેરાવળ, માંગરોળ, પોરબંદર, નવલખી, જાફરાબાદ અને પીપાવાવ બંદરો પર બે નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યું છે. સંભવિત વાવાઝોડાને પગલે હવામાન વિભાગે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. આ સાથે જ દરિયામાં કરંટ જોવા મળતાં મોજાઓ 8થી 10 ફૂટ ઉછળ્યા છે.

એક બુલેટિનમાં હવામાન કચેરીએ જણાવ્યું હતું કે ડિપ્રેશન સવારે 8:30 વાગ્યે ગોવાના પશ્ચિમ-દક્ષિણપશ્ચિમમાં આશરે 950 કિમી, મુંબઈથી 1,100 કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમ, પોરબંદરથી 1,190 કિમી દક્ષિણે અને કરાચીથી 1,490 કિમી દક્ષિણમાં સ્થિર થયેલું હતું.

આ ચક્રવાતી તોફાનથી 6 જૂને કેરળ-કર્ણાટકના દરિયાકિનારા અને લક્ષદ્વીપ-માલદીવના વિસ્તારો તથા 8 જૂનથી 10 જૂન સુધી કોંકણ-ગોવા-મહારાષ્ટ્રના દરિયાકાંઠે દરિયો તોફાની બનવાની શક્યતા છે. માછીમારોને દરિયાકિનારે પાછા ફરવાની સલાહ અપાઈ છે.

LEAVE A REPLY