ગુજરાતમાં તાઉ-તે વાવોઝોડું 18મેની સવારે પોરબંદર અને મહુવાના દરિયાકાંઠા ટકરાવવાની શક્યતાને કારણે રાજ્યમાં તેનો સામનો કરવાની તૈયારી ચાલુ કરવામાં આવી હતી. દરિયાકાંઠાના વિસ્તારમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યો હતો. આ વાવાઝોડાની અસરને કારણે રવિવારે સાંજે અમદાવાદ, સુરત, રાજકોટ અને કચ્છના વાતાવરણમાં પલટો આવ્યો હતો. અનેક શહેરો અને ગામડામાં ભારે પવન સાથે વરસાદ થયો હતો. અમદાવાદમાં પણ રવિવારની સાંજે પવન ફુંકાવા લાગવ્યો હતો અને વરસાદ પડ્યો હતો.
દરિયાકાંઠાના વિસ્તારમાં હાઇએલર્ટ
સંભવિત વાવાઝોડાને કારણે રાજ્યમાં 245 ગામમાં હાઇ એલર્ટ જાહેર કરાયો હતો અને દરિયાકાંઠાના વિસ્તારમાંથી લોકોનું સ્થળાંતર ચાલુ કરવામાં આવ્યું હતું. વાવાઝોડાથી કોવિડ-દર્દીઓની સારવારને અસર ન થાય તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. સરકારે કોરોના રસીકરણની કામગીરી બે દિવસ માટે અટકાવી દેવાની જાહેરાત કરી હતી.
રાજ્ય સરકારે કોમ્યુનિકેશન નેટવર્ક, રોડ-રસ્તા અને વીજપુરવઠો સતત જળવાઇ રહે અને આ સંભવિત વાવાઝોડામાં વૃક્ષો પડી જવાથી કે અન્ય રીતે તેને અસર થાય તો તે ઝડપથી પૂર્વવત કરી શકાય તથા ઓક્સિજન સહિતના અન્ય જરૂરી પુરવઠાના સપ્લાયમાં વિક્ષેપ ન પડે તે માટે માર્ગ અને મકાન, વન વિભાગને તાકીદ કરીને દરેક જિલ્લામાં રેપિડ રિસ્પોન્સ ટીમની રચના કરવામાં આવી હતી.
ગુજરાતમાં સંભવિત વાવાઝોડાના જોખમનો સામનો કરવા સરકાર સજ્જ બની હતી અને રાજ્યના પ્રધાનોને જુદા જુદા જિલ્લાઓ કામગીરી સોંપવામાં આવી હતી. રવિવારે મુખ્યપ્રધાન વિજય રુપાણીએ સમગ્ર વહીવટીતંત્રને યુદ્ધના ધોરણે સજ્જ થઈ આ આવનારી આફતને પહોંચી વળવા આગોતરૂ આયોજન કરવા માર્ગદર્શન આપ્યું હતું તેમજ સંબંધિત જિલ્લાઓએ કરેલી વ્યવસ્થાઓની માહિતી મેળવી હતી.
કંડલા, જખૌ બંદર બંધ કરાયા
તાઉ-તે વાવાઝોડાની આગાહીની સંભાવનાના પગલે જામનગર જિલ્લાના તમામ બંદર પર સલામતીના ભાગરૂપે બે નંબરનું સિગ્નલ લગાવી દેવામા આવ્યું છે. માછીમારોને દરિયો ના ખેડવા સૂચના આપી દેવાઈ છે. તો સાથે દરિયાકાંઠા વિસ્તારના ગામડાઓમાં રહેતા લોકોને પણ સલામત સ્થળે ખસેડવા કવાયત હાથ ધરાઈ છે. કંડલા અને જખૌ બંદરને બંધ કરવામાં આવ્યા હતા.
17 અને 18 મેએ ભારેથી અતિભારે વરસાદની શક્યતા
હવામાન વિભાગે દરિયાકાંઠાના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી કરી હતી. ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, જૂનાગઢના વિસ્તારમાં 17 અને 18 મેના રોજ ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી હતી. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, સુરત અને ભરૂચ તથા આણંદ અને દક્ષિણ અમદાવાદમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.
રાજયના વાતાવરણમાં પલટો
વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જેના લઇને 16 મેના બપોર બાદ રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારો ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કેટલાંક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. 17 મેના રોજ સૌરાષ્ટ્ર, કચ્છ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
‘ઝીરો કેઝ્યુઆલિટી’ અભિગમ સાથે રાજ્ય સરકારના ઇમરજન્સી ઓપરેશન સેન્ટર કંન્ટ્રોલ રૂમમાંથી ભારતીય હવામાન વિભાગ, હવામાનશાસ્ત્રીઓ સાથે સતત સંપર્કમાં રહીને ગુજરાતમાં આ સંભવિત વાવાઝોડાની મુવમેન્ટ પર નજર રાખીને યોગ્ય વ્યવસ્થાઓ કરવામાં આવી રહી હતી. આ વાવાઝોડાથી કચ્છ, દ્વારકા, ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી, જૂનાગઢ, ભાવનગર અને જામનગર સહિતના જિલ્લાઓમાં અસર થવાની શક્યતા છે.
કોરોના દર્દીઓ માટે ખાસ વ્યવસ્થા
આ જિલ્લાઓમાં સરકારી અને ખાનગી કોવિડ હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા ગંભીર દર્દીઓ માટે વિશેષ વ્યવસ્થાઓ કરવાની સૂચનાઓ આપી છે. એટલું જ નહી ગમે તે સંજોગોમાં ઓક્સિજનનો પુરવઠો અને બીજી જરૂરી સારવાર વ્યવસ્થાઓ સતત જળવાઇ રહે તે માટે આ જિલ્લાના કલેક્ટરોને તાકીદ કરવામાં આવી છે.
પ્રધાનોને વિવિધ જિલ્લાની કામગીરી
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ વાવાઝોડાને પગલે પ્રધાનોને વિવિધ જિલ્લાની કામગીરી સોંપી હતી. ભુપેન્દ્રસિંહ ચુડાસમા ગીરસોમનાથ, જયેશભાઇ રાદડિયા પોરબંદર, જવાહરભાઇ ચાવડા જૂનાગઢ, દિલીપકુમાર ઠાકોર અને વાસણભાઇ આહિર કચ્છ, ધર્મેન્દ્રસિંહ જાડેજા દેવભૂમિ દ્વારકા, કુંવરજીભાઇ બાવળીયા અમરેલી, ગણપતભાઇ વસાવા અને વિભાવરીબેન દવે ભાવનગર, સૌરભભાઇ પટેલ રાજકોટ, યોગેશભાઇ પટેલ મોરબી, આર. સી. ફળદુ જામનગર, કુમારભાઇ કાનાણી સુરત, રમણભાઇ પાટકર વલસાડ, ઇશ્વરભાઇ પરમાર નવસારી અને ઇશ્વરસિંહ પટેલને ભરૂચ તાત્કાલિક અસરથી પહોંચી જવા જણાવાયું હતું.