કોરોના મહામારીમાં વચ્ચે ભારતમાં સાઇબર ક્રાઇમમાં ધરખમ વધારો થયો છે. દેશમાં 2020માં સાઇબર ક્રાઇમના કુલ 50,035 કેસ નોંધાયા હતા, જે અગાઉના વર્ષની સરખામણીમાં આશરે 11.8 ટકાનો વધારો દર્શાવે છે. સોસિયલ મીડિયામાં ફેક ન્યૂઝના 578 કેસ નોંધાયા હતા, એમ નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોના અહેવાલમાં જણાવાયું છે.
નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોના ડેટા અનુસાર સાઇબર ક્રાઇમનો રેટ (એક લાખની વસતિએ ગુનાનું પ્રમાણ) પણ 2020માં વધીને 3.7 ટકા થયો હતો, જે 2019માં 3.3 ટકા હતો. 2019માં ભારતમાં સાઇબર ક્રાઇમના કુલ 44,735 કેસ નોંધાયા હતા. 2018માં 27,248 કેસ નોંધાયા હતા.
2020માં ઓનલાઇન બેન્કિંગ ફ્રોડના 4,047 કેસ, ઓટીપી ફ્રોડના 1,093 કેસ, ક્રેડિટ-ડેબિટ કાર્ડ ફ્રોડના 1,194 કેસ અને એટીએમ સંબંધિત 2,160 કેસ નોંધાયા હતા.મહિલા અને બાળકોના સાઇબર સ્ટોકિંગ કે દબાણના 872 કેસ નોંધાયા હતા. ફેક પ્રોફાઇલના 149 અને ડેટાચોરીના 98 કેસ નોંધાયા હતા.
સાઇબર ક્રાઇમમાં 11,097 કેસ સાથે ઉત્તરપ્રદેશ મોખરે છે. આ પછી કર્ણાટકમાં 10,741 કેસ, મહારાષ્ટ્રમાં 5,496, તેલંગણામાં 5,024 અને આસામમાં 3,530 કેસ નોંધાયા હતા. જોકે કર્ણાટકમાં સૌથી ઊંચો 16.2 ટકા ક્રાઇમ રેટ રહ્યો હતો.