અમેરિકામાં પેટ્રોલિયમનું પરિવહન કરતી પાઈપલાઈન કંપની પર સાયબર એટેક થયો છે. સાયબર હુમલો એટલો બધો ગંભીર છે, કે પ્રેસિડેન્ટ જો બાઈડેને અમેરિકામાં ઈમર્જન્સી જાહેર કરી દીધી છે. સાયબર હુમલા પછી ઈમર્જન્સી જાહેર થઈ હોય એવો આ જગતનો પ્રથમ કિસ્સો છે. કોલોનિયલ પાઈપલાઈને શનિવારે, 8 મેએ કહ્યું હતું કે તેના સર્વર પર રેન્સમવેર હુમલો થયો છે, જેને પગલે બધી જ પાઈપલાઈનો મારફત પેટ્રોલિયમ પેદાશોનું પરીવહન અટકાવી દેવાની ફરજ પડી છે. પોતાને ડાર્ક સાઈડ તરીકે ઓળખાવતી એક ક્રિમિનલ ગેન્ગે સાઈબર હુમલો કરીને કંપનીનું સર્વર ઠપ્પ કરી દીધું છે અને ખંડણીની માગણી કરી છે.
અમેરિકામાં ધ કોલોનિયલ પાઈપલાઈન કંપનીનું નેટવર્ક ૮૮૫૦ કિ.મી. લાંબુ છે અને તે ટેક્સાસ અને ન્યૂ જર્સી વચ્ચે ૧૦ રાજ્યો મારફત પેટ્રોલ અને અન્ય ઈંધણનું પરિવહન કરે છે. કંપની ગલ્ફ કોસ્ટમાંથી ઈંધણ ઉત્તર-પૂર્વ સુધી પુરું પાડે છે. તેના ગ્રાહકોની સંખ્યા ૫ કરોડ જેટલી છે. કંપની રોજના ૨૫ લાખ બેરલ પેટ્રોલિયમનું પરિવહન કરે છે. અમેરિકાના અનેક રાજ્યોમાં કંપની પાઈપલાઈન મારફત પેટ્રોલિયમ અને અન્ય ઈંધણ પુરા પાડવામાં આવે છે. આ હુમલાથી કોઈ પાઈપલાઈનનું તંત્ર ખોરવાઈ જવાનો બાઈડન સરકારને ડર છે. વળી પેટ્રોલિયમ પાઈપમાં આગ લાગે તો પણ ભારે મોટું નુકસાન થઈ શકે.