કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતની બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ બેડમિન્ટનની સિંગલ્સ વુમેન ફાઈનલ મેચમાં કેનેડાની મિશેલ લી ને સતત બે ગેમમાં હરાવીને ભારતને 19મો ગોલ્ડ મેડલ મેડલ અપાવ્યો હતી. દુનિયાની નંબર-7 શટલર પીવી સિંધુએ પહેલી ગેમ 21-15થી જીતી હતી. પહેલી ગેમમાં મિશેલએ સિંધુને થોડી ટક્કર આપી હતી, પરંતુ બીજી ગેમમાં સિંધુએ તેમને કોઈ તક આપી નહીં. બીજી ગેમ ભારતની સ્ટાર શટલરે 21-13 થી જીતી લીધી. આ સાથે જ સિંધુએ કોમનવેલ્થ ગેમ્સના સિંગલ્સમાં પોતાનો આ પહેલો ગોલ્ડ જીત્યો છે.
ઓલમ્પિક ચેમ્પિયન પીવી સિંધુએ કોમનવેલ્થ ગેમ્સની છેલ્લી બે સિઝનમાં 2014માં બ્રોન્ઝ અને 2018માં સિલ્વર મેડલ જીત્યો છે. પીવી સિંધુ અને મિશેલ લી અગાઉ એક-બીજા સામે 10 વખત રમી ચૂક્યા છે. જેમાં પીવી સિંધુએ 8 વખત મેચ જીતી છે જ્યારે બે વખત મિશેલને જીત મળી છે.
મહિલા સિંગલ્સમાં સિંધુનો પ્રથમ મુકાબલો માલદીવની ફાતિમા અબ્દુલ રઝાક સામે હતો. સિંધુએ ફાતિમાને 21-4, 21-11ના માર્જીનથી પરાજય આપ્યો હતો. સેમિફાઇનલમાં સિંધુનો મુકાબલો સિંગાપોરની જિયા મીન યેઓ સામે થયો હતો. સિંધુએ આ મેચ 21-19, 21-17ના માર્જીનથી જીતીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો.