જીડીપીમાં 30% સુધીનો ઘટાડો થઈ શકે છે: ચાન્સેલર ઋષિ સુનક
બ્રિટનની જીડીપીમાં એપ્રિલ અને જૂન વચ્ચે 30% સુધીનો ઘટાડો થઈ શકે છે તેમ ચાન્સેલર ઋષિ સુનકે જણાવ્યુ હતુ. જેને પગલે કેબિનેટના સભ્યો દ્વારા લોકડાઉન પ્રતિબંધોને સરળ બનાવવા માટે અપીલ કરવામાં આવી છે. આ માટે દસ મિનીસ્ટર દબાણ કરી રહ્યા છે પરંતુ તેમની ઓળખ થઈ નથી.
સુનકે બીજા ક્વાર્ટરમાં જીડીપીમાં 25% થી 30% ઘટાડો થવાની સંભાવના પર ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યુ હતુ કે “આપણને લોકડાઉનથી વધુ નુકસાન ન થાય તે જોવાનુ અગત્યનું છે. આપણે ત્રણ અઠવાડિયા સુધી લોકડાઉનને જોયા બાદ તેને સરળ બનાવવાનું શરૂ કરી શકીશું” એમ એક મિનીસ્ટરે જણાવ્યુ હતુ.
યુ.કે. સૌથી વધુ અસરગ્રસ્ત યુરોપિયન દેશ બની શકે છે
બ્રિટિશ સરકારની વૈજ્ઞાનિક સલાહકાર સમિતિ SAGEના સદસ્યા અને વેલકમ ટ્રસ્ટના ડિરેક્ટર સર જેરેમી ફેરરે જણાવ્યું હતું કે, જીવલેણ વાયરસના વધુ આકરા મોજાઓને નકારી શકાય તેમ નથી અવે તે જોતા યુ.કે. કોરોનાવાયરસ રોગચાળાના સૌથી વધુ અસરગ્રસ્ત યુરોપિયન દેશોમાંનો એક બની શકે છે.
યુકેમાં સંખ્યા સતત વધતી રહી છે અને હું આશા રાખું છું કે અમે નવા ચેપ ધરાવતા દર્દીઓની સંખ્યા ઘટાડી શકીશુ. યુકેમાં મૃત્યુઆંક દિવસે દિવસે ઝડપથી વધી રહ્યો છે. ઇટાલીમાં હાલમાં મૃત્યુઆંક 19,468 છે.
પર્સનલ પ્રોટેક્ટીવ ઇન્સ્ટ્રુમેન્ટની અછત બદલ આલોક શર્માએ માફી માંગી
યુકેના બિઝનેસ સેક્રેટરી આલોક શર્માએ જણાવ્યુ હતુ કે ‘’જે દેશો ડિફરન્ટ ટ્રેજેક્ટરી પર હતા તેણે બતાવ્યુ હતુ કે કડક સામાજિક અંતરના પગલાં મૃત્યુઆંક પર અસર કરે છે. અમે લોકોને ઘરે રહેવા માટે સલાહ આપી તેને કારણે ચેપનો દર વધતો નથી અને આખરે લોકોનો જીવ બચાવવામાં આવી રહ્યો છે. હું માફી માંગુ છુ કે લોકોને લાગે છે કે તેઓ પર્સનલ પ્રોટેક્ટીવ ઇન્સ્ટ્રુમેન્ટ મેળવવામાં સક્ષમ નથી. સ્વયં સ્પષ્ટ છે કે અમને વધુ પી.પી.ઇ.ની જરૂર છે”.
બ્રિટીશ મેડિકલ એસોસિએશન (બીએમએ)ના અધ્યક્ષ ડૉ. ચંદ નાગપૌલે એનએચએસ ફ્રન્ટલાઈન સ્ટાફ માટેના પર્સનલ પ્રોટેક્ટીવ ઇન્સ્ટ્રુમેન્ટની અછતને ઉજાગર કરી હતી.
યુકે ગુરુવારે લોકડાઉન લંબાવશે: નિકોલા સ્ટર્જન
સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનીસ્ટર યુકે નિકોલા સ્ટર્જને સોમવારે બપોરે એક પ્રેસ કોન્ફરન્સમાં ભૂલથી જાહેર કરી દીધુ હતુ કે નજીકના ટૂંક સમયમાં લોકડાઉન અને સામાજિક અંતરની મર્યાદાઓ સહિતના અન્ય પ્રતિબંધ હટાવવાની જરા પણ શક્યતા નથી. અત્યારે યુકેની કેબિનેટ મે મહિનાની શરૂઆતમાં અથવા તો મે માસના અંતમાં લોકડાઉનને સરળ કરવાના નિર્ણય બાબતે વિભાજીત છે.
તેમણે કહ્યું હતુ કે ‘આ અઠવાડિયામાં આ નિયંત્રણોની સમીક્ષા થવાની છે પરંતુ નજીકના ભવિષ્યમાં આ નિયંત્રણો હટાવવાની કોઇ સંભાવના નથી.અત્યારે આશાવાદી સંકેતો છે કે અમે જે પગલાં લઈ રહ્યા છીએ તે કામ કરી રહ્યા છે, પરંતુ જ્યાં સુધી આપણે વધારે જાણીએ નહીં અને નક્કર પુરાવા ન હોય ત્યાં સુધી આપણે લોકડાઉનના નિર્ણયને વળગી રહેવું જોઈએ.’
સ્ટર્જને સરકાર અધિકૃત જાહેરાત કરે તે પહેલા જ મોટા કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકવાની અને શાળાઓને બંધ કરવાની જાહેરાત પણ કરી હતી. તેમની આ ટિપ્પણીઓથી વડા પ્રધાન ડોમિનિક રાબ માટે અપમાનજનક સ્થિતિનું જોખમ છે.
માતા, પિતા અને પુત્રી: બધાના બે અઠવાડિયામાં જ મરણ
84 વર્ષનાં પિતા કીથ, 82 વર્ષની માતા જીન મેક’વીકર અને તેમની 62 વર્ષની પુત્રી જયનેનુ કોરોનાવાયરસની બીમારીના કારણે માત્ર બે અઠવાડિયામાં જ મરણ થયુ હતુ.
જયનેના નાના ભાઇ રિચાર્ડે જણાવ્યુ હતુ કે ‘’આટલા ટૂંકા ગાળામાં મારો અડધો પરિવાર ગુમાવ્યો છે. એવું લાગ્યું કે ‘કોઈએ મને કાપીને મારું હૃદય ચોરી લીધું છે’. રિચર્ડે ફેસબુક પર જાહેરાત કરી હતી કે, બે બાળકોની માતા જયનેનુ શનિવારે વાયરસથી નિધન થયું હતું.
તેમણે ફેસબુક પર લખ્યું હતુ કે ‘ખૂબ જ દિલગીરી સાથે જણાવવાનુ કે જયનેએ જીવનની લડત ગુમાવી છે. એ દિલાસો છે કે તેણી મમ્મી-પપ્પાની સાથે ગઇ છે. જયનેએ પોતે પણ ફેસબુક પર સરકારના લોકડાઉન પગલાંમાં સહકાર આપવા મિત્રોને વિનંતી કરી હતી.
કોરોનાવાયરસ રસી સપ્ટેમ્બર સુધીમાં તૈયાર થઈ શકે છે
ઑક્સફર્ડ યુનિવર્સિટીના વેક્સીનોલોજી વિભાગના પ્રોફેસર સારાહ ગિલ્બર્ટે જણાવ્યું હતું કે તેણીને “80 ટકા વિશ્વાસ છે કે તેમની ટીમ દ્વારા વિકસાવવામાં આવેલી કોરોનાવાયરસ સામેની રસી આગામી પખવાડિયામાં માનવ પર ટેસ્ટ કરાશે અને તે સૌ કોઇ માટે સપ્ટેમ્બર માસ સુધીમાં તૈયાર થઈ શકે છે. વિશ્વના સૌથી અદ્યતન પ્રયાસોમાંના એકનું નેતૃત્વ તેમણે કર્યું છે.
પ્રોફેસર ગિલ્બર્ટની ટીમ બ્રિટનમાં સૌથી અદ્યતન છે અને વિકાસના તબક્કામાં આગળ વધવા માટે અઠવાડિયામાં સાત દિવસ કામ કરે છે. રસીની પ્રારંભિક સલામતીની કસોટી ટૂંક સમયમાં જ શરૂ થવાની છે. સરકારે સંકેત આપ્યો છે કે જો પરિણામ આશાસ્પદ લાગશે તો લાખો ડોઝના ઉત્પાદન માટે ઉત્પાદકોને અગાઉથી ભંડોળ આપવા તૈયાર છે અને તેને તુરંત લોકોને ઉપલબ્ધ થવા દેશે. આ રોગમાંથી બહાર નીકળવા માટેની લાંબાગાળાની આશાઓ રસી પર આધારીત છે.
રસી વિના લાંબા સમય સુધી નબળા લોકોને બચાવવા માટે સામાજિક અંતરનાં કેટલાક પગલા લેવા પડશે અને લોકોએ ઘરેથી કામ કરવુ પડશે. માઇક્રોસૉફ્ટના સહ-સ્થાપક અને યુ.એસ.ના ફીલાન્થ્રોપીસ્ટ બિલ ગેટ્સ કહે છે કે તેઓ સફળ સાબિત થનારા કોઈપણ વેક્સીન પ્રોજેક્ટ માટે બિલીયન્સ પાઉન્ડનો “વ્યય” કરશે.