બોક્સીંગના ભૂતપૂર્વ વિશ્વ ચેમ્પિયન આમીર ખાને દાવો કર્યો હતો કે ‘કરી’ અને ‘ખરાબ આહાર’ એશિયન ફાઇટર્સને બોક્સિંગમાં અસરકારક દેખાવ નહિં કરવા દેવા માટે જવાબદાર છે અને તેને કારણે એશિયન પૃષ્ઠભૂમિમાંથી વધુ ચેમ્પિયન આવતા નથી. હું માનું છું કે એશિયન ખેલાડીઓ રમતગમતમાં ટોચના સ્તરે પોતાના સ્વપ્નની કારકિર્દી ન બનાવવા માટે ‘બહાના’ તરીકે તેમની પૃષ્ઠભૂમિનો ઉપયોગ કરે છે. ખાને તેની આ ટિપ્પણીઓથી આક્રોશ ફેલાવ્યો છે.
બોલ્ટન હીરો અમીર ખાને ગયા અઠવાડિયે 35 વર્ષની વયે બોક્સિંગમાંથી નિવૃત્તિ લીધી હતી. તે પૂર્વે ફેબ્રુઆરીમાં તે કેલ બ્રુક સામેની તેની અંતિમ પ્રોફેશનલ ફાઇટમાં હારી ગયો હતો.
35 વર્ષીય આમીરે પત્રકારોને કહ્યું હતું કે ‘જુઓ, અમે એશિયનો ખરેખર લડવૈયા બનવા માટે સર્જાયા નથી. અમે સારા ખેલાડીઓ બનતા નથી. અમારો આહાર ભયાનક છે, તે કરી છે. ચેમ્પિયન બનવા માટે તે યોગ્ય આહાર નથી. અમારી પાસે સમર્પણ નથી. જો તમે અમને ઘણા ઇંગ્લિશ ફાઇટર્સ સામે મુકો તો તેમનો આહાર ઘણો સારો છે. તેઓ અમારા કરતાં વધુ મજબૂત છે. પરંતુ દેખીતી રીતે મેં મારી જીવન જીવવાની રીત બદલી નાખી હતી. સદભાગ્યે, મારી શરૂઆત ખૂબ જ નાની વયથી થઇ હતી.’’
ખાને કહ્યું હતું કે ‘’લોકો કહે છે કે અમે મુસ્લિમ છીએ, અમે એશિયન છીએ, અમે બોક્સિંગમાં જઇ શકતા નથી. અમને પસંદ કરવામાં આવશે નહીં. તે એક બહાનું છે.”