અમેરિકામાં હજુ પણ રંગભેદ જોવા મળી રહ્યો છે. અહીં ધોળા પોલીસકર્મીઓ દ્વારા કાળા નાગરિકો પર અત્યાચારની અનેક ઘટનાઓ સામે આવી ચુકી છે. હાલમાં જ એક કાળા યુવકને ધોળા રંગના પોલીસ અધિકારીએ હથકડી પહેરાવી જમીન પર સુવડાવી તેના ગળા પર પગ રાખી દીધો હતો. જેને પગલે આ યુવકનું શ્વાસ ન લઇ શકવાથી મોત નિપજ્યું હતું. આ સમગ્ર મામલે હવે અમેરિકામાં ઉગ્ર દેખાવો ચાલી રહ્યા છે, અનેક સ્થળે ખાનગી અને સરકારી વાહનોને આગ લગાવવાની ઘટના સામે આવી છે.
અમેરિકાના અનેક શહેરો ભડકે બળી રહ્યા છે અને પોલીસ અધિકારીને તાત્કાલીક સજા કરવા તેમજ રંગભેદ સમાપ્ત કરવાની માગણી ઉઠી રહી છે. અનેક શહેરોમાં કરફ્યુ લાગુ કરાયો છે. પોલીસ સ્ટેશનો અને વાહનો પર પેટ્રોલ બોમ્બ ફેકવામાં આવી રહ્યા છે, અનેક પોલીસની ગાડીઓ આગને હવાલે કરી દેવાઇ છે. આ ઘટના મિનીઆપોલિસ શહેરમાં બની હતી અને હાલ સૌથી વધુ ઉગ્ર દેખાવો ત્યાં જ થઇ રહ્યા છે. મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ તોડફોડ કરી રહ્યા હોવાથી પોલીસે ટીયર ગેસના શેલ છોડયા હતા.
જ્યોર્જ ફ્લોડનું ગળુ પગથી દબાવતો વીડિયો પણ વાઇરલ થયો હતો જે બાદ લોકો વધુ રોષે ભરાયા હતા. કાળા યુવકની પોલીસ અધિકારી દ્વારા થયેલી હત્યાના વિરોધમાં ગોરા નાગરિકો પણ જોડાયા હતા અને બન્નેએ મળીને કોરોના અને લોકડાઉન વચ્ચે પણ રસ્તા પર ઉતરીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યા હતા.
ન્યૂયોર્ક અને વોશિંગ્ટનમાં હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. વ્હાઇટ હાઉસને ઘેરવાનો પણ પ્રયાસ થયો હતો અને ટ્રમ્પ પ્રશાસન અને સરકાર તેમજ અમેરિકન પોલીસ વિરુદ્ધ ઉગ્ર સુત્રોચ્ચાર કર્યા હતા. આંદોલન ઉગ્ર બની જતા પોલીસે અનેક લોકોની અટકાયત કરી હતી. હાલ અમેરિકાના ૨૫થી વધુ શહેરોમાં કરફ્યુ લાદી દેવાયો છે અને લોકોમાં ગુસ્સો વધતા હજુ પણ આ આંદોલન વધુ ઉગ્ર બનવાની શક્યતાઓ છે.