’કોરોનાવાયરસ રોગચાળા પર નિયંત્રણ કરવામાં સરકારની ભૂલોના પરિણામે હજારો લોકો બિનજરૂરી રીતે મૃત્યુ પામ્યા હતા અને બોરીસ જૉન્સન તેમજ હેલ્થ સેક્રેટરી મેટ હેનકોક તેમના પદ માટે અયોગ્ય છે તેમજ વડાપ્રધાને વૈજ્ઞાનિક સલાહ અવગણીને ખોટી રીતે લોકડાઉન કરવામાં વિલંબ કર્યો હતો’’ એવો આક્ષેપ વડા પ્રધાનના ભૂતપૂર્વ ઉચ્ચ સલાહકાર ડોમિનિક કમિંગ્સે કર્યો હતો. કમિંગ્સે દાવો કર્યો હતો કે મેટ હેનકોકને જૂઠું બોલાવા બદલ બરતરફ કરવા જોઇએ.
હાઉસ ઓફ કોમન્સની હેલ્થ, સાયન્સ એન્ડ ટેક્નોલોજી કમિટી સમક્ષ સાત કલાકના સંયુક્ત સત્ર દરમિયાન ડાઉનિંગ સ્ટ્રીટના એક વખતના ટોચના સલાહકાર ડોમિનિક કમીંગ્સે સરકારની નીતિઓની નિષ્ફળતા, સરકારની રોગચાળો નિયંત્રિત કરવાની અસફળતા અંગે વ્યાપક આક્ષેપો કર્યા હતા.
વધુ વિસ્ફોટક દાવા કરતાં શ્રી કમિંગ્સે કહ્યું હતું કે ‘’જૉન્સને શરૂઆતમાં વિચાર્યું કે કોવિડ-19 ફક્ત એક “ડરામણી વાર્તા” અને “નવો સ્વાઇન ફ્લૂ” છે. તે વાયરસથી ડરવાની જરૂર નથી તે પૂરવાર કરવા વડા પ્રધાને ચીફ મેડિકલ ઑફિસર ક્રિસ વ્હ્ટીને ટીવી પર વાયરસનું લાઇવ ઇન્જેક્શન આપવાની ઓફર કરી હતી. વડા પ્રધાને વાયરસના ફેલાવાને રોકવા માટે ક્યારેય કડક બોર્ડર કંટ્રોલની ઇચ્છા વ્યક્ત કરી નહોતી.’’
તેમણે સાંસદોને કહ્યું હતું કે “જે લોકો રોગચાળામાં બિનજરૂરી રીતે મૃત્યુ પામ્યા હતા તેમના પરિવારોની જે ભૂલો કરવામાં આવી હતી અને તે સમયે મારી પોતાની ભૂલો બદલ હું દિલગીરી વ્યક્ત કરૂ છું. રોગચાળાની ફ્રન્ટ લાઇન પરના લોકો “ગધેડાઓ દ્વારા દોરી જવાતા” સિંહો જેવા હતા. જૉન્સન રોગચાળો કાબુમાં લેવા માટે યોગ્ય વ્યક્તિ ન હતા.’’
શ્રી કમિંગ્સે કહ્યું હતું કે ‘’લગભગ પોતાનું જીવન કોવિડથી ગુમાવ્યા હોવા છતાં, વડા પ્રધાન માનતા હતા કે ગયા વર્ષે 23 માર્ચે લાદેલું પહેલું રાષ્ટ્રીય લૉકડાઉન ભૂલ હતી. વડા પ્રધાન કોઈ સલાહ લેતા ન હતા, તેઓ ફક્ત પોતાનો નિર્ણય લેતા અને સલાહને અવગણતા હતા. તેમાં કેબિનેટ પણ સામેલ ન હતી કે તેમને પૂછવામાં આવ્યું ન હતું.”
કમિંગ્સે જણાવ્યું હતું કે ‘’ઓક્ટોબરમાં બીજા રાષ્ટ્રીય લોકડાઉન પછી જૉન્સન સાથેના સંબંધ તૂટી ગયા હતા. તેની ગર્લફ્રેન્ડ (કેરી સાયમન્ડ્સ) પણ મારાથી છૂટકારો મેળવવા માંગતી હતી.’’
વડા પ્રધાને તેમના પર ઉછાળવામાં આવેલા પ્રશ્નો પર વળતો પ્રહાર કરતાં ભારપૂર્વક કહ્યું હતું કે ‘’સરકારની પ્રાથમિકતા હંમેશાં “લોકોના જીવન બચાવવાની” હતી. પીએમ ક્વેશ્ચન્સ પર બોલતા શ્રી જૉન્સને સાંસદોને કહ્યું હતું કે “રોગચાળાને સંભાળવો દેશમાં ઘણા લાંબા સમયથી કરવાનું સૌથી મુશ્કેલ કામ હતું અને તેમાંના કોઈપણ નિર્ણયો સરળ નથી. લોકડાઉનમાં જવું એ કોઈ પણ દેશ માટે આઘાતજનક બાબત છે, આ ધોરણે રોગચાળાને પહોંચી વળવું એ ખૂબ જ મુશ્કેલ છે, અને અમે દરેક તબક્કે જીવનનું નુકસાન ઘટાડવાનો, જીવન બચાવવા, એનએચએસની સુરક્ષા માટેનો પ્રયાસ કર્યો છે અને અમે કરી શકીએ તે શ્રેષ્ઠ વૈજ્ઞાનિક સલાહને અનુસર્યા છીએ. મેં શ્રી કમિંગ્સના પુરાવા સિલેક્ટ કમિટિ સમક્ષ જોયા નથી.’’
હેનકોક પર ગંભીર આક્ષેપો
પૂર્વ સલાહકાર કમિંગ્સે આરોપ મૂકતાં જણાવ્યું હતું કે ‘’હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકને 15-20 જુદી જુદી બાબતો માટે કાઢી મૂકવા જોઇએ અને તેમના ગંભીર ગુનાહિત, અપમાનજનક વર્તનથી ઘણું ગંભીર નુકશાન થયું હતું. મેં જૉન્સનને વારંવાર શ્રી હેન્કોકને પદ પરથી કાઢી મૂકવા હાકલ કરી હતી અને તેમને કામ કરવામાં સંપૂર્ણપણે અસમર્થ ગણાવ્યા હતા.’’
કમિંગ્સે દાવો કર્યો હતો કે ‘’વડા પ્રધાન કોરોનાવાયરસથી સાજા થઇ કામ પર પાછા આવ્યા ત્યારે તેમને ખબર પડી હતી કે જેમનો ટેસ્ટ નહોતો કરાયો તેવા દર્દીઓને ઇંગ્લેન્ડના કેર હોમમાં રજા આપીને પાછા મોકલવામાં આવ્યા હતા જેનાથી વાયરસ ફેલાયો હતો.’’
કમિંગ્સે પી.પી.ઇ.ની અછતને લઇને શ્રી હેનકોક પર આકરા પ્રહાર કરી એક દિવસમાં 100,000 કોવિડ ટેસ્ટનું “મૂર્ખ” લક્ષ્યાંક નક્કી કર્યું હતું જેણે ટેસ્ટ એન્ડ ટ્રેસ સિસ્ટમની સ્થાપના માટેના વ્યાપક કામમાં ખલેલ પડી હતી.
કમીટીના ચેરમેન ગ્રેગ ક્લાર્કે કમિંગ્સને હેન્કોક વિશેના દાવાઓને સમર્થન આપવા લેખિત પુરાવા રજૂ કરવા જણાવ્યું હતું. હેનકોકની સાંસદો દ્વારા બે અઠવાડિયાના સમયગાળામાં પૂછપરછ કરવામાં આવશે. હેનકોક ગુરૂવારે હાઉસ ઑફ કૉમન્સમાં નિવેદન આપનાર છે. હેનકોકના પ્રવક્તાએ કમિંગ્સના દાવાઓને સંપૂર્ણપણે નકારી કાઢ્યા હતા.
લેબરના શેડો હેલ્થ સેક્રેટરી જોનાથન એશ્વર્થે કહ્યું હતું કે “ખૂબ જ ગંભીર આક્ષેપો સુસ્થાપિત હોવાનું જણાય છે અને જો દેશએ તેમના પર વિશ્વાસ જાળવવો હોય તો હેલ્થ સેક્રેટરીએ ખુલાસો કરવાની જરૂર છે”.
હેલ્થ એન્ડ સાયન્સ સિલેક્ટ કમિટિ દ્વારા રોગચાળા અંગે સરકારના પ્રતિભાવ અંગે શ્રી કમિંગ્સને પૂછપરછ કરાય તે પહેલા તેમણે 10 ડાઉનીંગ સ્ટ્રીટના વ્હાઇટબોર્ડની એક તસવીર ટ્વીટ કરી હતી, જેના પર વાયરસના પ્રથમ તરંગ માટે સરકારનો “પ્લાન બી” તૈયાર કરવામાં આવ્યો હતો.
શ્રી કમિંગ્સે સ્વીકાર્યું હતું કે પ્રથમ લોકડાઉન દરમિયાન કાઉન્ટી ડરહામની તેમની સફરએ “જાહેર વિશ્વાસને નબળી પાડ્યો” હતો. પણ તેમણે જણાવ્યું હતું કે તેમણે તેમના પરિવાર સામેની ધમકીઓને લીધે આ પ્રવાસ કર્યો હતો અને તેમના કુટુંબને બર્નાર્ડ કાસલ ખાતે ખસેડ્યું હતું.