વડાપ્રધાન અને 10 ડાઉનીંગ સ્ટ્રીટના વરિષ્ઠ સલાહકાર ડોમિનિક કમિંગ્સે લોકડાઉન દરમિયાન ગઈકાલે ડરહામની 260 માઇલની સફર માટે માફી માંગવાનો ઇનકાર કર્યા બાદ પ્રવાસ અંગે કોઈ દિલગીરી ન હોવાનો અને તેમણે નિયમો તોડ્યા નથી એવો આગ્રહ કર્યો હતો. જેની સામે ટોરી વ્હિપ અને સ્કોટલેન્ડ મિનીસ્ટર ડગ્લાસ રોસે ‘’જેમણે પ્રિયજન ગુમાવ્યા હતા અને લોકડાઉનને અનુસર્યા હતા તે ખોટા અને એક સલાહકાર સાચા, એમ કઇ રીતે માની શકે એમ જણાવી રાજીનામુ આપ્યું હતું.
વડાપ્રધાન જ્હોન્સને ગઈકાલે બપોરે કેબિનેટની મીટિંગમાં કહ્યું હતું કે કમિંગ્સ દ્વારા એટર્ની જનરલ સુએલા બ્રેવરમેન દ્વારા મંત્રીઓને કહેવામાં આવ્યું હતું કે ‘કોઈ કાયદો તોડવામાં આવ્યો નથી’. તેમણે દૈનિક ડાઉનિંગ સ્ટ્રીટ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે ‘’કમિંગ્સ માટેનું તેમનું સમર્થન બિનશરતી નથી. પણ મારું માનવું નથી કે નંબર 10ના કોઈએ પણ આપણા સંદેશાને નબળો પાડવાનું કંઈ કર્યું છે.’’ ઘણા ટોરી સાંસદોએ કમિંગ્સને બરતરફ કરવાની હાકલ કરી છે ત્યારે વડા પ્રધાને તેમના ટોચના સલાહકારને બચાવવા માટે રાજકીય મૂડીનો મોટો ખર્ચ કર્યો છે. વડાપ્રધાનના નિવેદન બાદ, સંખ્યાબંધ કેબિનેટ મંત્રીઓએ કમિંગ્સ માટે સમર્થન વ્યક્ત કર્યું હતું.
બ્રેક્ઝિટ ઝુંબેશના માસ્ટરમાઇન્ડ કમિંગ્સે પત્રકારોને જણાવ્યું હતું કે ‘’એપ્રિલની શરૂઆતમાં જ્યારે તે તેની પત્ની સાથે વતનમાં ગયા હતા તે વાજબી અને કાયદેસર હતુ. આ ખૂબ જટિલ પરિસ્થિતિમાં, મેં મારા ચુકાદાને શ્રેષ્ઠ રીતે રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. તેમણે જ્હોન્સનને આ બાબતે પૂછ્યું ન હોવા બદલ દિલગીરી વ્યક્ત કરી હતી.
માઇકલ ગોવે કહ્યું હતું કે વડા પ્રધાનના ઉચ્ચ સલાહકાર ‘માન અને સખ્તાઇના માણસ’ છે અને લોકો આ બાબતે ‘પોતાનું મન બનાવશે’. દરમિયાનમાં ભૂતપૂર્વ ગ્રેટર માન્ચેસ્ટર પોલીસ વડા કોન્સ્ટેબલ સર પીટર ફહીએ જણાવ્યું હતું કે તેમની બાર્નાર્ડ કેસલની ટ્રિપે હાઇવે કોડનો ભંગ કર્યો છે અને પોલીસે જો તેમને પકડ્યા હોત તો તેમને અડધે રસ્તે પાછા લંડન મોકલ્યા હોત.
બોરિસ જ્હોનસન અને ડાઉનિંગ સ્ટ્રીટને જોરદાર ફટકો પહોંચાડતા સાંસદ, પાર્લામેન્ટરી અંડર સેક્રેટરી ઑફ સ્ટેટ ફોર સ્કોટલેન્ડ અને ટૉરી વ્હીપ ડગ્લાસ રોસે આજે મંગળવારે સવારે જાહેરાત કરી કે તેઓ ફ્રન્ટબેંચ છોડી દે છે કારણ કે તેઓ કમિંગ્સની 260 માઇલની મુસાફરી બાબતે અસહમત છે.
નંબર 10ના પ્રવક્તાએ 37 વર્ષીય મિસ્ટર રોસનો ‘સરકારની સેવા બદલ આભાર માની રાજીનામાના નિર્ણય બદલ દિલગીરી વ્યક્ત કરી હતી. જ્યારે લેબરે તેમના પગલાને ‘યોગ્ય કાર્ય ગણાવ્યું છે’.
ભારતીય મૂળના એટર્ની જનરલ સુએલા બ્રેવરમેને ડોમિનિક કમિંગ્સનો બચાવ કર્યા પછી તેમના પર રાજીનામું આપવા દબાણ કરાયું હતું. કેટલાક વકીલો કહે છે કે વડા પ્રધાનના મુખ્ય સલાહકારના સમર્થનમાં સુએલા બ્રેવરમેનનું ટ્વીટ એટર્ની જનરલને કોઈ પણ અનુગામી પોલીસ તપાસના સંબંધમાં અશક્ય સ્થિતિમાં મૂકે છે. સરકારના મુખ્ય કાયદાકીય સલાહકાર તરીકેની ઑફિસની સ્વતંત્રતાને હાનિ પહોંચાડી હોવાનો તેમની સામે આક્ષેપ કરવામાં આવેલ છે.
શેડો એટર્ની જનરલ, લોર્ડ ફાલ્કનર ક્યુસીએ રવિવારે બ્રેવરમેનને પત્ર લખી તેણીએ તેમની ઑફિસ અને કાયદાની કાયદેસરની સ્વતંત્રતાને નકારી કાઢવાનો આક્ષેપ કર્યો હતો.
ટોરી સાંસદ સાયમન જપ્પે કહ્યું હતું કે ‘’મેં ‘મિસ્ટર કમિંગ્સ જેવા નિર્ણયો લીધા ન હોત અને મારી સ્થિતિ અંગે વિચારણા કરી હોત’. ટોરી સિલેક્ટ કમિટીના ચેરમેન વિલિયમ રેગે ચેતવણી આપી હતી કે ‘હવેથી આપણે મૂલ્યવાન જાહેર અને રાજકીય સદ્ભાવનાને આગળ નહીં મૂકી શકીએ અને સલાહકારના બચાવમાં સંમતિ આપનાર મંત્રીઓને તેમની ઓફિસમાં જોવા અપમાનજનક છે’.
કેબિનેટ ઓફીસ મિનીસ્ટર માઇકલ ગોવે કહ્યું હતું કે ‘’કમિંગ્સે તેમના માતાપિતાની જમીન પર આવેલ એક કુટિરમાં શા માટે તેમના પરિવાર સાથે અલગ થયા હતા તે વિશે ‘સંપૂર્ણ, વિગતવાર અને ચકાસી શકાય તેવું’ કારણ આપ્યું છે.
ડાઉનિંગ સ્ટ્રીટ રોઝ ગાર્ડનમાં કમિંગ્સની અસાધારણ પ્રેસ કોન્ફરન્સ પણ ટોરી અને જાહેર પ્રકોપને હળવો કરી શકી નહતી. કારણે કે ડગ્લાસ રોસના રાજીનામા બાદ કેટલાક ટોરી સાંસદો માને છે કે આ વિવાદ કન્ઝર્વેટિવ પાર્ટીને વર્ષો સુધી નુકસાન પહોંચાડી શકે છે.
એનએચએસ કન્ફેડરેશનના ચીફ એક્ઝિક્યુટિવ નિએલ ડિકસને બીબીસીને જણાવ્યું હતું કે ‘આ વાર્તા જે રીતે પ્રગટ થઈ છે તેના કારણે આપણા સભ્યો, આરોગ્ય નેતાઓમાં ચોક્કસપણે ચિંતા છે કે તેનાથી કર્મચારીઓને અને સત્તાવાર માર્ગદર્શનમાં લોકોના વિશ્વાસને નુકસાન થાય છે. આ માર્ગદર્શન ખરેખર હજારો લોકોનું જીવન બચાવી શક્યું છે.
તમામ ક્ષેત્રના રાજકારણીઓ, વૈજ્ઞાનિક સલાહકારો અને કેટલાક પાદરીઓ નિયમોની ઉલ્લંઘન બદલ કમિંગ્સની નિંદા કરવામાં જોડાયા છે. કન્ઝર્વેટિવ પાર્ટીના 20 કરતા વધુ સાંસદોએ કમિંગ્સને બરતરફ કરવાની હાકલ કરી હતી.