રશિયાએ મંગળવારે ચેતવણી આપી હતી કે જો તેને ગેસ અને ક્રૂડ ઓઈલનું વેચાણ કરવા દેવામાં નહીં આવે તો દુનિયામાં એક બેરલ ક્રૂડ ઓઈલનો ભાવ 300 ડોલર સુધી પહોંચી જશે અને તે રશિયા-જર્મનીની મુખ્ય ગેસ પાઈપલાઈનને પણ બંધ કરી નાખશે જેના કારણે યુરોપના દેશો માટે ભયંકર સ્થિતિ સર્જાશે.
અમેરિકા અને યુરોપીયન દેશો રશિયાના ઓઈલ પર પ્રતિબંધ મુકવાનું વિચારી રહ્યા છે તેવું બહાર આવ્યા બાદ ઓઈલનો ભાવ 2008 પછી સૌથી ઊંચા સ્તરે પહોંચી ગયો હતો. યુદ્ધની અગાઉ એક બેરલ ક્રૂડ ઓઈલનો ભાવ 94 ડોલર હતો જે સોમવારે 139 ડોલર સુધી ગયો હતો. રશિયાના ડેપ્યુટી વડાપ્રધાન એલેક્ઝાન્ડર નોવાકે જણાવ્યું કે, એક વાત સ્પષ્ટ છે કે રશિયન ઓઈલનો સપ્લાય બંધ થવાથી ગ્લોબલ માર્કેટ માટે ભયંકર સ્થિતિ પેદા થશે. તેના કારણે ઓઈલનો ભાવ 300 ડોલર સુધી પહોંચી શકે છે.
નોવાકે કહ્યું કે યુરોપ રશિયા પાસેથી જે ઓઈલ મેળવે છે તેને રિપ્લેસ કરવામાં તેને એક વર્ષ કરતા વધુ સમય લાગી શકે છે. તેના માટે યુરોપના દેશોએ ઘણો ઊંચો ભાવ ચુકવવાની તૈયારી રાખવી પડશે. તેમણે કહ્યું કે યુરોપિયન નેતાઓએ પોતાની પ્રજાને અંધારામાં રાખવી ન જોઈએ અને સ્પષ્ટ રીતે જણાવી દેવું જોઈએ કે કઓઈલ અને ગેસની કેવી તંગી પેદા થવાની છે. નોવાકે કહ્યું કે રશિયા મારફત યુરોપને 40 ટકા ગેસ મળે છે. પરંતુ જર્મનીએ તેની ગેસ પાઈપલાઈનને સર્ટિફિકેશન આપવાની ના પાડ્યા પછી હવે તે પણ બદલાની કાર્યવાહી કરી શકે છે. ઓઇલના ભાવ 100 ડોલરને પાર કરી ગયા ત્યારથી જ ભારતની ચિંતા અનેકગણી વધી ગઈ છે. રશિયાની ધમકી પ્રમાણે ઓઈલનો ભાવ 300 ડોલર થઈ જાય તો તમામ ઇમર્જિંગ ઇકોનોમી માટે ટકવાનું અશક્ય બની જાય તેમ છે.શિયા ઉપરાંત ઇરાન પણ ઓઈલનો અગ્રણી નિકાસકાર દેશ છે. ઈરાન સાથે ડીલ થવામાં વિલંબ થઈ રહ્યો હોવાથી ઈરાનનો સપ્લાય શરૂ થાય તેમાં મોડું થાય તેવી શક્યતા છે.