Cryptocurrency transactions now under the ambit of money laundering laws
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

અમેરિકાની સૌથી મોટી ઈલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાની બિટકોઈનમાં કારનું પેમેન્ટ સ્વીકારવાની જાહેરાતથી ક્રિપ્ટો કરન્સી ફરી એક વખત ચર્ચામાં આવી ગઈ છે. જોકે, ભારતમાં લોકો, વેપારીઓ અને કંપનીઓ ક્રિપ્ટો કરન્સીનો ઉપયોગ ન કરી શકે તેવી શક્યતા છે.

ભારત સરકાર ઓફિશિયલ ડિજિટલ કરન્સી બિલ 2021 તૈયાર કરી છે અને તેને હાલના બજેટ સેશનમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. આ બિલમાં તમામ ખાનગી ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધની દરખાસ્ત છે, જોકે આ ટેકનોલોજી અને ઉપયોગને પ્રોત્સાહન આપવા કેટલાંક અપવાદ હશે. આ બિલમાં ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની, પરંતુ હાલના રોકાણકારોને તેમના હોલ્ડિંગના વેચાણ માટે સમય આપવાની દરખાસ્ત છે. આમ પ્રતિબંધનો અમલ રાતોરાત થશે નહીં.

કેન્દ્ર સરકાર હાલ ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા દેશમાં રજૂ કરાનારી નવી ડિજિટલ કરન્સી સંબંધે કાયદો બનાવી રહી છે. ભારતમાં પણ બે વર્ષ પહેલાં આરબીઆઈએ ડિજિટલ કરન્સીને મંજૂરી આપવા સંબંધે પહેલી વખત સંકેત આપ્યા હતા. તાજેતરમાં નાણાં નીતિની જાહેરાત સમયે પણ આરબીઆઈએ જણાવ્યું હતું કે, તે દેશમાં ડિજિટલ કરન્સી રજૂ કરવા અંગે વિચારણા કરી રહી છે. આ દિશામાં આગળ વધતાં સરકાર તરફથી દેશમાં ડિજિટલ કરન્સી માટેના કાયદાનો સૂચિત મુસદ્દો તૈયાર કરાઈ રહ્યો છે. આ મુસદ્દા મુજબ ભારતીય કંપનીઓ અથવા સામાન્ય જનતા ડિજિટલ કરન્સી તરીકે સંપત્તિ એકત્રીત કરી શકશે નહીં. આ બિલ ટૂંક સમયમાં જ સંસદમાં રજૂ કરાઈ શકે છે. સરકાર અને આરબીઆઈ બંને વર્ચ્યુઅલ કરન્સી અંગે સતત ચેતવણી આપી રહ્યા છે. સાથે બધી જ સરકારી બેન્ક અને નાણાકીય સંસ્થાઓને તેમાં લેવડ-દેવડ નહીં કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

એક અંદાજ મુજબ દેશમાં ૭૦ લાખથી વધુ ભારતીયો પાસે હાલ એક બિલિય ડોલરના મૂલ્યની ક્રિપ્ટો કરન્સી છે.
ક્રિપ્ટો કરન્સી અંગેના સૂચિત બિલમાં બિટકોઈન જેવી બધી જ ખાનગી ડિજિટલ કરન્સીની લેવડ-દેવડ સંપૂર્ણપણે પ્રતિબંધિત હશે. નવા બિલમાં સરકારી ડિજિટલ કરન્સી, તેની લેવડ-દેવડનું સંપૂર્ણ માળખું હશે. તે વર્તમાન સમયમાં પ્રચલિત ડિજિટલ કરન્સીથી સંપૂર્ણપણે અલગ હશે, કારણ કે તેનું નિયંત્રણ દેશની કેન્દ્રીય બેન્ક પાસે હશે. એટલે કે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા હેઠળ તેની સંપૂર્ણ લેવડ-દેવડ થશે. સ્ટોક એક્સચેન્જ, સામાન્ય જનતા, વેપારીઓ અને અન્ય નાણાકીય સંસ્થાઓને ક્રિપ્ટો કરન્સીમાં લેવડ-દેવડની મંજૂરી નહીં અપાય અને નિયમોનો ભંગ કરનાર વ્યક્તિઓ અને કોર્પોરેટ એકમોને દંડ કરાશે.